Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રેમડેસિવિર વિતરણ મામલો:સી.આર. પાટીલને એફિડેવિટ ફાઇલ કરવા ગુજરાત હાઇકોર્ટે 2 સપ્તાહનો સમય આપ્યો

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાતા હાઈકોર્ટે પાટીલ અને રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો હતો

અમદાવાદ : કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ગુજરાતની સ્થિતિ વણસી હતી. આ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓ રેમડેસિવિર ઇન્જેસ્ખન માટે હોસ્પિટલો બહાર લાંબી લાઇનો લગાવી રહ્યા હતા ત્યારે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દો બહુ ચગ્યો હતો. જે બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે પાટીલ અને રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો હતો.

HCમાં રેમડેસિવિર ઈન્જેક્શન પર થયેલી અરજીના મામલે ગુજરાત હાઈકોર્ટે પાટીલ અને રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. ત્યાં જ ડ્રગ્સ કમિશનરને પણ નોટિસ પાઠવી હાઈકોર્ટે જવાબ માગ્યો હતો. સુરતમાં ભાજપ દ્વારા ઈન્જેક્શન અપાયા હતા. ઈન્જેક્શનનો જથ્થો ફાળવાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

સુરત ભાજપ ઓફિસમાંથી રેમડેસિવિર ઇંજેક્શન વિતરણના મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સૂનાવણી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત હાઇકોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને એફિડેવિટ 2 સપ્તાહમાં ફાઇલ કરવાનો સમય આપ્યો છે. સી.આર.પાટીલે એફિડેવિટ ફાઇલ કરવા માટે સમય માંગ્યો હતો. હવે આ મામલે વધુ સુનવણી 6 જુલાઈએ હાથ ધરવામાં આવશે.

 રેમડેસિવિર ઈન્જેક્શન મામલે પાટીલે અગાઉ ખુલાસો કરતાં કહ્યું હતું કે, મારા મિત્રો પાસેથી આ ઈન્જેક્શન લાવવામાં આવ્યા હતા. જ્યારે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, આ મામલે પાટીલને જ પુછો. જો કે બાદમાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, પાટીલે સારા કામ માટે ઈન્જેક્શનની વહેંચણી કરી છે. અને કોંગ્રેસને માત્ર વિરોધ કરતાં આવડે છે.

(9:32 pm IST)