Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ધોરણ-10માં માર્કિંગ પદ્ધતિ મુજબ અનેક શાળાઓએ નથી આપ્યા ઓનલાઈન ગુણ

17મી જૂન અંતિમ તારીખ : પરિણામ તૈયાર કરવામાં વિલંબ થવાની સંભાવના

અમદાવાદ :ગુજરાતમાં ધોરણ-10માં માર્કિંગ પદ્ધતિ મુજબ ઓનલાઇન ગુણાંકન બોર્ડની કચેરીને પહોંચાડવામાં અનેક શાળાઓએ વિલંબ કર્યો છે. પરિણામે પરિણામ તૈયાર કરવામાં વિલંબ થવાની સંભાવના છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના પગલે વર્ષ-2021ની ધોરણ-10ના રેગ્યુલર તમામ વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો નિર્ણય બોર્ડે કર્યો છે. માસપ્રમોશનના નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને ધોરણ-11માં કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો એ પણ સમસ્યા સર્જાઇ શકે છે. દરમિયાન વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ દ્વારા શક્ય એટલુ ઝડપથી પરિણામ તૈયાર કરીને વિદ્યાર્થીઓને માર્કશીટ આપવા કવાયત શરૂ કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓના ઓનલાઇન ગુણ તૈયાર કરીને મોકલવા સૂચના આપવામાં આવી હતી. આ અંગેની અંતિમ તારીખ-17 જૂન નિયત કરવામાં આવી છે. પરંતુ અનેક શાળાઓએ હજી ઓનલાઇન ગુણ બોર્ડને મોકલ્યા નથી. બોર્ડે આ અંગે ડીઇઓને જાણ કરી છે. ડીઇઓ દ્વારા ગુણ બોર્ડને નહીં મોકલનારી શાળાને જાણ કરવામાં આવી છે. ઓનલાઇન ગુણ મોકલવામાં બાકી રહેલી શાળા ગુણ મોકલી આપે તો પરિણામ વિદ્યાર્થીઓને શક્ય ઝડપથી આપી શકાશે. પરંતુ જો શાળા ઓનલાઇન ગુણ મોકલવામાં વિલંબ કરશે તો પરિણામ વિદ્યાર્થઓને આપવામાં પણ વિલંબ થશે. જેની અસર આગામી સમયમાં ધોરણ-11ના પ્રવેશ સમય પર પણ પડી શકે એમ છે.

(11:23 pm IST)