Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

તમામ અટકળો - અફવાઓ ઉપર પૂર્ણવિરામ

રૂપાણી સરકારથી હાઇકમાન્ડ સંતુષ્ટ : સરકારમાં સબ સલામત : નેતૃત્વ પરિવર્તનની શકયતા જ નહિ

નવી દિલ્હી,તા. ૧૬: ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળોનો હાલ પૂરતો અંત આવ્યો છે. ભાજપ સંગઠન અને સરકારના સુત્રોનો દાવો છે કે, હાલ પૂરતું ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય. પ્રદેશ પ્રભારીના અચાનક ગુજરાત પ્રવાસથી નેતૃત્વ પરિવર્તનની અટકળોને રાજકીય વેગ મળ્યો હતો.

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ૧.૫ વર્ષ પહેલાં ગુજરાતમાં મોટા રાજકીય ફેરફારોની શકયતા જોવાઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે ઉઠેલા વ્યાપક રોષ અને સરકારી અધિકારીઓ પર રાજકીય પકડના અભાવના મુદ્દે રૂપાણી સરકાર પર સવાલો ઉઠી રહ્યા હતા. તેવામાં અચાનક પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતની જાહેરાત થઈ જેને સરકાર અને સંગઠને રૂટિન મુલાકાત ગણાવી હતી. જો કે પ્રભારીએ સરકાર અને સંગઠનના સિનિયર આગેવાનો સાથે મુલાકાત કરીને સેન્સ લીધી હતી.

જેમાં સરકાર અને સંગઠનની કામગીરી તેમજ મુખ્યમંત્રી ની છબી અંગે પણ અભિપ્રાય લેવામાં આવ્યા હતા. પ્રભારીએ સેન્સ લીધા બાદ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા. સરકાર અને સંગઠનના સિનિયર નેતાઓ સાથેની બેઠક બાદ તમામ રાજકિય અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. હાલ પૂરતું ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય.સાથે જ સરકાર અને સંગઠન સંકલન કરીને ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરે તે માટે પણ સૂચના આપવામાં આવી છે.

પક્ષના ધારાસભ્યોને પણ ચૂંટણીની તૈયારીઓ માટે સૂચના આપવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં હાલ કોઈ મોટી રાજકિય ઉથલ પાથલ નહીં જોવા મળે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. જો કે આ પૂર્ણ વિરામ હાલ પૂરતું જ છે. ત્યારે જોવાનું એ રહેશે કે ભાજપ પ્રભારીએ સંકલન માટે આપેલી સૂચનાઓનો કેટલો અમલ થાય છે તે જોવાનું રહેશે.

(10:14 am IST)