Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પશ્ચિમી પવનોની ઝડપ વધુ હોય ચોમાસુ બે -ચાર દિવસ મોડુ

જો કે હાલ પવનની ઝડપમાં ઘટાડો થતો જાય છેઃ આ સપ્તાહના અંતિમ દિવસોમાં મોનસુન ઝડપ પકડે તેવી શકયતાઃ હવામાન ખાતુ

 રાજકોટઃ તા.૧૬, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતના વલસાડ બાદ અમુક વિસ્તારોમાં આગમન થયા બાદ દિવ અને સુરત વચ્ચે અટકી ગયું છે. હાલ પશ્ચિમી પવનોની ઝડપ વધારે હોય ચોમાસુ બે-ચાર દિવસ મોડુ થયું છે. હવામાન ખાતુ કહે છે ચિંતાનું કોઇ કારણ નથી. હવે પશ્ચિમી પવનમાં ઘટાડો આવી રહયો છે. જેથી આ સપ્તાહના અંતમાં અથવા આવતા વીકના પ્રારંભમાં રાજયભરમાં વરસાદી માહોલ જામશે. હવામાન ખાતુ જણાવે છે કે હાલ મહતમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ નોંધાય છે. ભેજના પ્રમાણમાં વધઘટ જોવા મળે છે. હાલ પવનનું જોર વધુ છે. આમ છતાં બફારા ઉકળાટનો અનુભવ વર્તાય છે. આ સપ્તાહમાં જ ધીમે-ધીમે પવનનું જોર ઘટવા લાગશે. જેથી સંભવીત સુરત-દિવ વચ્ચે અટકી ગયેલ ચોમાસુ ફરીથી વેગ પકડશે. દરમિયાન રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં ૪૦ ડિગ્રી આજુબાજુ મહતમ તાપમાન નોંધાય છે. પવનનું જોર વધુ છે. આમ છતાં અસહ્ય ઉકળાટ બફારાનો અનુભવ થઇ રહયા છે. તો આજે વ્હેલી સવારે ૪ વાગ્યાની આસપાસ શહેરના અમુક વિસ્તારોમાં મચ્છરીયો વરસાદ વરસ્યો હતો. સદર, મોટી ટાંકી ચોક, શાસ્ત્રી મેદાન સહિતના વિસ્તારોમાં હળવા વરસાદના પગલે માર્ગો ભીના થઇ ગયા હતા. આ લખાય છે ત્યારે વાદળ છાયા વાતાવરણ વચ્ચે તડકો જોવા મળે છે.

(1:06 pm IST)