Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોરોનાકાળમાં તાત્કાલિક રોકડાની જરૂર પડે તો ?

લોકોમાં હાથ ઉપર રોકડા રાખવાનો ટ્રેન્ડ : ગ્રામિણ ગુજરાતમાં બેંકોમાં રહેલી થાપણો ૧૫ ટકા ઘટી

૨૦૧૯-૨૦માં ગ્રામિણ લોકોની બેંકોમાં થાપણ હતી રૂ. ૧.૦૬ લાખ કરોડ : ૨૦૨૦-૨૧માં ઘટીને થઇ ગઇ રૂ. ૯૧૨૧૨ કરોડ

અમદાવાદ તા. ૧૬ : મહામારીના કારણે અનિશ્ચિતતાઓમાં વધારો અને ઇમર્જન્સી જરૂરીયાતની ધારણાએ લોકો પોતાના હાથમાં રોકડ નાણુ વધારે રાખવાના કારણે ગ્રામીણ ગુજરાતમાં ૨૦૨૦-૨૧માં બેંક ડીપોઝીટો ૧૫ ટકા જેટલી ઘટી છે. રોજગારીમાં ઘટાડો થવાથી પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરવા લાગતા આ ઘટાડો હજુ પણ આગળ વધી શકે છે.

રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોની શેડયુલ્ડ કોમર્શિયલ બેંકો (એસસીબી)ની કુલ ડીપોઝીટો ઘટીને ૯૧૨૧૨ કરોડ ૨૦૨૦-૨૧માં થઇ છે જે ૨૦૧૯-૨૦માં ૧.૦૬ લાખ કરોડ હતી એમ રિઝર્વ બેંકના આંકડાઓ દર્શાવે છે.

૨૦૨૧ના પ્રથમ ત્રિમાસીકમાં જ્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કોરોના કારણે લગાવાયો હતો ત્યારે બેંક ડીપોઝીટો ૨૧ ટકા ઘટીને ૮૪૬૫૩ કરોડે પહોંચી ગઇ હતી જે દર્શાવે છે કે આ એક જ ત્રિમાસીક દરમિયાન લોકોએ ૨૨,૩૪૬ કરોડ રૂપિયા બેંકોમાંથી ઉપાડી લીધા હતા. બેંક ડીપોઝીટોમાં ઘટાડો રાજ્યના ૨૦ જિલ્લાઓમાં થયો હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે. જેમાં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, રાજકોટ, સુરત, ખેડા, મહેસાણા, મોરબી અને પાટણ સહિતના અન્ય જિલ્લાઓ સામેલ છે.

(1:09 pm IST)