Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ધોરણ 10 પછી ડિપ્લોમા ઈજનેરીના પ્રવેશ માટે 17મીથી થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન:માર્કશીટ વગર મળશે પ્રવેશ

એડમિશન કમિટી દ્વારા 64,169 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા: ધો.10 મેરિટ બેઝ પ્રમોશનનાં વિદ્યાર્થીઓ અને જુના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકશે

અમદાવાદ :ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે 17 જુનથી ઓનલાઈન રજીસ્ટ્રેશન  શરુ થશે, જો કે હજુ ધો.10નું પરિણામ જાહેર થયું નથી. ત્યારે આ વર્ષ પ્રથમવાર વિદ્યાર્થીઓને માર્કશીટ વગર પ્રવેશ મળશે.

કોરોનાને કારણે શિક્ષણ પર માઠી અસર પહોંચી છે, કોરોનાનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હાલ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધો.10 અને ધો.12નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

સામાન્ય રીતે, જુન મહિનાથી શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે, ત્યારે ડિપ્લોમાં એડિમિશન કમિટી દ્વારા ધો. 10 ની માર્કશીટ વગર ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલના તબક્કે, એડમિશન કમિટી દ્વારા 64,169 બેઠક પર આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં ધો.10 મેરિટ બેઝ પ્રમોશનનાં વિદ્યાર્થીઓ અને જુના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

 

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસે ધો.10ના સીટનંબર અને માર્કશીટ હોવી જરૂરી છે, પરંતુ આ વખતે સીટનંબર અને માર્કશીટ વગર જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જ્યારે માર્કશીટ જાહેર થાય ત્યારે ફરીથી રજીસ્ટ્રેશન શરૂ કરાશે અને ત્યારે વિદ્યાર્થીઓએ સીટનંબર સહિતની વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જ્યારે ગત વર્ષનાં વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશનમાં તમામ વિગતો ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે.

સરકારે ટેકનિકલ શિક્ષણનાં પ્રવેશનાં નિયમોમાં કરાયેલ ફેરફાર મુજબ, ડીટુડીની જેમ હવે, સીટુડીમાં પણ અગાઉના વર્ષની ખાલી બેઠકો પણ ચાલુ વર્ષનાં પ્રવેશ માટે ઉમેરાશે .

 અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વર્ષની કુલ બેઠકોનાં 10 % બેઠકો ઉપરાંત ખાલી રહેલી બેઠકો પણ વિદ્યાર્થીઓનાં પ્રવેશ માટે ઉપલબ્ધ રહેશે જેને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સરળતા રહેશે.

(1:17 pm IST)