Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા મામેરૂ કરવાનો મોકો મળતા મહેશ ઠાકોર પરિવારને ૫૦ વર્ષની પ્રતિક્ષા બાદ જીવન સાર્થક થયાનું જણાવ્યુ

અમદાવાદ: કોરોના કાળમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે તો મોટો પ્રશ્ન છે. પરંતુ હાલ જગન્નાથ મંદિરમાં તેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ વિધિઓનો પ્રારંભ થઈ ગયો છે. અને આખરે રથયાત્રા માટે મામેરુ કરનારા યજમાનની પણ પસંદગી થઈ ગઈ છે. સરસપુરના રહેવાસી મહેશ ઠાકોરનો પરિવાર આ વખતે ભગવાનનું મામેરું કરશે.

પહેલીવાર ઠાકોર પરિવાર કરશે મામેરું

રથયાત્રાને લઈને મામેરું કરનારા યજમાનની પસંદગી થઈ ગઈ  છે. સરસપુરના મહેશ ઠાકોરનો પરિવાર આ વર્ષે મામેરુ કરશે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત ઠાકોર પરિવાર મામેરુની વિધિ કરશે. મામેરુમાં ઠાકોર પરિવારની પસંદગી થતાં ઠાકોર પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું છે. ભગવાનનું મામેરું કરવા આ પરિવાર 50 વર્ષથી રાહ જોઈ રહ્યું હતું. આખરે તેમનો વારો આવ્યો છે. ત્યારે ઠાકોર પરિવાર દ્વારા મામેરા માટે ખાસ તૈયારીઓ કરવામા આવવાની છે. પરિવારે ભગવાનના આભૂષણો જયપુરમાં બનાવવા માટે આપ્યા છે. ત્યારે પહેલીવાર ભગવાનના આભૂષણ જયપુરમાં બની રહ્યા છે.

મારા પિતાની મામેરું કરવાની ઈચ્છા હતી

આ તક મેળવતા મહેશ ઠાકોરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભગવાને આ તક આપીને મારું જીવન સાર્થક બનાવ્યું. મારા પિતાની છેલ્લાં 50 વર્ષથી ઈચ્છા હતી. તેથી હું ટ્રસ્ટી મંડળ સાથે છેલ્લાં 8 વર્ષથી સંપર્કમાં હતો. તેમને વિનંતી કરી હતી કે મારા પિતાની લાગણીને માન આપીને મને મામેરુ કરવાની તક આપો. હું નાનપણથી રથયાત્રામાં ભગવાનના આભૂષણો જોતો, તેથી હંમેશા એવુ મનમાં રહેતુ કે આવુ અમે પણ કરીએ.

મામેરુંની વિશેષતા વિશે તેમણે કહ્યું કે, ભગવાનના આભૂષણો મહારાષ્ટ્ર અને જયપુરથી બનાવડાવ્યા છે. મારી પરિસ્થિતિ મુજબ મારાથી શક્ય એટલુ બધુ જ કરીશ. મામેરુ કરવાનો ફોન મળતા જ અમારા પરિવારમાં ઉત્સાહ ફેલાયો છે. હવે અમે મામેરુ કરવાના દિવસોની રાહ જોઈ રહ્યાં છે.

તો બીજી તરફ, જળયાત્રાને લઈને મંદિર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા યોજાશે. સાબરમતી નદીના સોમનાથ ભુદરના કાંઠે ગંગાપુજનને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. જળયાત્રા એટલે રથયાત્રાનો પ્રથમ પડાવ. શાસ્ત્રો અનુસાર જળયાત્રાનું અનેરું મહત્વ છે. પરંતુ આ વર્ષે પણ કોરોનાના લીધે સાદગીપૂર્ણ રીતે જળયાત્રા યોજાશે.

(4:35 pm IST)