Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અમદાવાદ મ.ન.પા અને પોલીસે સુપર સ્પ્રેડર્સને ‘ઓન ધ સ્પોટ વેકસીનેશન’ ઝુંબેશ શરૂ

અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશનના (AMC) હેલ્થ ખાતાના અધિકારીઓ અને પોલીસ ખાતાના અધિકારીઓ ભેગા મળીને આજથી શહેરમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીના લોકોનું વેકસીનેશન કરવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. સુપર સ્પ્રેડર્સનું કોરોના વેકસીનેશન શરૂ કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી ઓન ધ સ્પોટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. Vaccination In Ahmedabad

અમદાવાદ મ્યુનિ.ના અધિકારી નામ ના આપવાની શરતે જણાવ્યું કે, “અમદાવાદ શહેરમાં દૂધ વેચનારા, ફેરિયાઓ, કરિયાણાવાળા, ખાણી-પીણી બજારવાળા, ફૂડ ડીલીવરી બોય, રિક્ષાચાલકો, કેબચાલકો, શોપિંગ મોલના કર્મચારીઓ, શોપિંગ કોમ્પલેક્ષના કર્મચારીઓ, રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ અને સ્વ રોજગારી મેળવતા કારીગરો સહિત સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં નિયત કરેલા લોકોનું વેકસીનેશનનું પ્લાનિંગ કરાયુ છે.

જેમાં એક પ્લાન એવો છે જે સુપર સ્પ્રેડર્સ લોકો છુટાછવાયા કામ કરે છે તેઓ માટે ચોક્કસ વેકસીન સેન્ટર નિયત કરાશે. આ ઉપરાંત જે મોટા માર્કેટ, શોપિંગ મોલ સહિતના સ્થળોએ પોલીસને સાથે રાખી વન ટુ વન વેકસીનેશનનું આયોજન કરાયુ છે. આગામી બે ત્રણ દિવસમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીના વેકસીનેશનની ઝુંબેશ વધુ સઘન બનાવાશે. જરૂર પડશે તો પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડશે

ઉલ્લેખનીય છે કે, કલેકટર દ્વારા તાજેતરમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં સુપર સ્પ્રેડર્સ માટે વેકસીન અથવા કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ વેપાર કરી શકે તેવું જાહેરનામું કરાયું હતું. જો કે અમદાવાદ શહેર માટે હજુ આવું જાહેરનામું થયું નથી, પરંતુ સુપર સ્પ્રેડર્સનું ઓન ધ સ્પોટ વેકસીનેશન શરૂ કરાયું છે. વૅકસીનનો સ્ટોક મોટા પ્રમાણમાં ઉપલબ્ધ બનશે એટલે સિટીમાં પણ સુપર સ્પ્રેડર્સ માટે વેકસીન ફરજિયાત કરી દેવાશે.

(5:48 pm IST)