Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી અને આયોજનબદ્ધ સામના માટે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોને વિવિધ જવાબદારીઓ સોંપતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી

થર્ડ વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં સુનિશ્ચિત કરવા સંબંધિત સચિવોને મુખ્ય મંત્રીની સૂચના :નાયબ મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આ વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી વિસ્તૃત માર્ગદર્શન આપતા મુખ્ય મંત્રી

ગાંધીનગર :મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકારના આગોતરા આયોજનથી રાજ્યમાં આ લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ  માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે

   મુખ્ય મંત્રીએ આ વરિષ્ઠ સચિવશ્રીઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી
   નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી રદીપસિંહ જાડેજા આ પરમર્શ બેઠકમાં જોડાયા હતા.
  મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ જે જે સચિવોને સંભવિત થર્ડ વેવ ના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી
   મુખ્ય મંત્રીએ કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે, થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવારમળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહ થી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમબાઉન્ડ પુરી કરવાની છે.
મુખ્ય મંત્રીએ હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે અને જીલ્લાઓમાં ઉભા કરી તેનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રીયલ ટાઇમ મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થાઓ પણ ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી
  વિજયભાઈ રૂપાણીએ ખાસ કરીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન કર્યું હતું.
 વિજયભાઈ રૂપાણીએ કોરોનાથી બચવાના આગોતરા શસ્ત્ર એવા વેક્સિનેશનનો વ્યાપ નગરો, શહેરો અને ગ્રામ્ય સ્તરે ઝૂંબેશરૂપે ખાસ મુવમેન્ટથી ચલાવવા તાકીદ કરી હતી અને પોલીંગ બુથની પેટર્ન પર વેકસીનેશન સેન્ટર શરૂ કરીને વધુને વધુ લોકોને વેકસીનેશન અંતર્ગત આવરી લેવા એન.જી.ઓ., સેવા સંગઠનો, પદાધિકારીઓ વગેરેનો સહયોગ લેવાનું પણ સૂચન કર્યું હતું
આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તેમજ વિવિધ વિભાગના સચિવો, જેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે તે સૌ ઉપસ્થિત રહ્યા હતા.

(8:22 pm IST)