Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

માણસાનો યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો :લગ્નના 7 દિવસ બાદ ભાગી ગઈ

યુવકના ઘરે આવી એક કહ્યું તેમના પુત્રના પણ લગ્ન થયા છે લગ્નના સર્ટિફિકેટ પણ દેખાડ્તા લૂંટેરી દુલ્હનના કરતૂતનો પર્દાફાશ

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં “લૂંટેરી દુલ્હન”ના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, ત્યારે લૂંટેરી દુલ્હનનો વધુ એક શિકાર માણસાનો એક 38 વર્ષનો યુવક બન્યો છે. યુવક સાથે લગ્ન કર્યા બાદ પીયરમાં વિધિ કરવાના બહાને ગયેલી કન્યા પાછી ના ફરી. જેના પગલે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર જિલ્લાના માણસા નજીક રહેતા અલ્પેશ સોની જ્વેલર્સની દુકાનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અલ્પેશના લગ્ન માટે તેનો પરિવારે પોતાના સમાજમાં યોગ્ય કન્યા શોધી રહ્યો હતો. આ અંગે અલ્પેશના પિતાએ પોતાના મિત્ર મુકેશભાઈ સાથે પણ વાત કરી હતી. જે બાદ મુકેશભાઈએ તેમને લક્ષ્મીબેન સિંધીનો નંબર આપ્યો હતો.

મુકેશભાઈ પાસેથી નંબર લીધા બાદ આજથી દોઢ મહિના પહેલા અલ્પેશના પિતાએ લક્ષ્મીબેનનો સંપર્ક કર્યો. લક્ષ્મીબેને જણાવ્યું હતું કે, તેમના ધ્યાનમાં અલ્પેશ માટે એક ગરીબ ઘરની સંસ્કારી યુવતી છે. જે બાદ તેમણે યુવકને યુવતીના પરિવાર સાથે મળવા માટે નરોડાના દાસ્તાન સર્કલ નજીક બોલાવ્યો હતો. જ્યાં લક્ષ્મીબેન અને વિજય નામનો શખ્સ આવ્યા હતા. જેઓ અલ્પેશને યુવતી દેખાડવા માટે દાસ્તાન સર્કલ નજીકના એક ફ્લેટમાં લઈ ગયા, જ્યાં તેની મુલાકાત સોનલ નામની યુવતી સાથે કરાવી હતી.

 

સોનલ સાથે મુલાકાત બાદ અલ્પેશ તેની સાથે લગ્ન કરવા રાજી થઈ ગયો અને 14મીં મેના રોજ ગોમતીપુરમાં એક એડવોકેટની ઑફિસમાં બન્ને જણાએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવકે સોનલની ભાભી લલિતાને અઢી લાખ રૂપિયા અને લક્ષ્મીબેનને 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

લગ્ન બાદ સોનલ 7 દિવસ સુધી સાસરીમાં રહ્યા બાદ તેની ભાભીએ તેને પિયરમાં કોઈ વિધિ પૂરી કરવાના બહાને લઈને ગઈ. 4 દિવસ બાદ જ્યારે અલ્પેશે ફોન કર્યો, ત્યારે સોનલે ફોન ઉઠાવ્યો નહતો. જ્યારે સોનલની ભાભીને ફોન કરતાં તેમણે ગોળગોળ વાતો કરી હતી. આખરે અલ્પેશ કંટાળીને સોનલની ભાભીના ઘરે ગયો, ત્યારે તે ઘર બંધ હતું.

આ દરમિયાન અન્ય એક ભાઈ અલ્પેશના ઘરે આવ્યા અને કહ્યું હતુ કે સોનલ સાથે તેમના પુત્રના પણ લગ્ન થયા છે. જે બાદ તે વ્યક્તિએ લગ્નના સર્ટિફિકેટ પણ દેખાડ્યા હતા. આમ લૂંટેરી દુલ્હનના કરતૂતનો પર્દાફાશ થયો હતો. યુવકે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે, સોનલના અગાઉ પણ બે વખત લગ્ન થઈ ચૂક્યા છે. જેના પગલે યુવક દ્વારા સોનલ પંચાલ, લલિતા પંચાલ, મહેશ પંચાલ, લક્ષ્મી સિંધી, દશરથલાલ આર્ય અને એડવોકેટ શૈલેષ સોલંકી વિરુદ્ધ ગોમતીપુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે

(9:33 pm IST)