Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ફેરફારની વકી

સંગઠનમાં અનેક નવા ચહેરા સામેલ કરાશે : ૩ વર્ષથી વધુ સમયથી સંગઠનમાં રહેલા નેતાઓને સ્થાને નવા નેતાઓને સ્થાન અપાશે : કાંગ્રેસે કવાયત હાથ ધરી

અમદાવાદ, તા. ૧૬  : ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તનનની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમાં પણ પ્રદેશ પ્રભારીના અચાનક ગુજરાત પ્રવાસથી નેતૃત્વ પરિવર્તનની અટકળોને રાજકીય વેગ મળ્યો હતો. પરંતુ, ભાજપ સંગઠન અને સરકારના સુત્રોનો દાવો છે કે હાલ પૂરતું ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તન નહિ થાય. તો આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નવા સંગઠનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે નવા સંગઠનની પ્રક્રિયા હાથ ધરી છે. ત્રણ વર્ષથી વધુ સમયથી સંગઠનમાં રહેલા નેતાઓને સ્થાને નવા નેતાઓને સ્થાન અપાશે. સાથે જ ત્રણ વર્ષથી તાલુકા અને શહેર પ્રમુખ રહેલા નેતાઓને પણ બદલવામાં આવશે. વર્તમાન તાલુકા અને શહેર પ્રમુખને જિલ્લા અને પ્રદેશ માળખામાં સ્થાન અપાશે. તાલુકા સ્તરેથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સક્ષમ કાર્યકરોના નામ મંગાવ્યા છે. આમ, વર્ષ ૨૦૨૨ની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા કાંગ્રેસે કવાયત હાથ ધરી છે.

        ભાજપ બાદ હવે કોંગ્રેસની પણ ચૂંટણી કવાયત શરૂ થઈ છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને પૂર્વ નેતા વિપક્ષની બેઠક મળશે. ગાંધીનગરમાં નેતા વિપક્ષના નિવાસસ્થાને આ બેઠક મળશે. ૨૦૨૨ ચૂંટણી પહેલાની તૈયારીઓને લઈને આ બેઠકમાં ચર્ચા કરાશે. ચૂંટણી પૂર્વે લોક આંદોલન થકી સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા રણનીતિ ઘડવામાં આવશે. તો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયાતાને લઈ પણ બેઠકમાં ચર્ચા થશે. આરોગ્ય, શિક્ષણ અને મોંઘવારીના મુદ્દે લોકો વચ્ચે જવા કાર્યક્રમો ઘડશે. આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, મોહનસિંહ રાઠવા હાજર રહેશે.

(10:00 pm IST)