Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કેવડિયાને ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના વિકટ પ્રશ્નો હલ કરવાના સરકારના પ્રયાસ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ અને સર્વે કામગીરી દરમિયાન આદિવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બાદ સરકાર દ્વિધામાં: ભરૂચ સાંસદ મનસુખ વસાવા, પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જી.પં.ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવીની સી.એમ રૂપાણી સાથે બેઠક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા 6 ગામના આદિવાસીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ બાબતે ગુજરાત સરકાર યોગ્ય નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહી છે.

હાલમાં જ કેવડિયામાં પાર્કિંગના નિર્માણ બાબતે નર્મદા નિગમ પોતાની જમીનનો સર્વે કરી રહ્યુ હતુ, દરમિયાન સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું.કેવડિયા પોલીસે 15-20 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.એ દરમિયાન ભાજપ શાસિત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવીએ પણ 6 ગામના આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવ્યા હતા.એ તમામની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર 6 ગામના વિકટ પ્રશ્ન મુદ્દે ઘર્ષણ અને વિવાદ વધતા નર્મદા નિગમના અધિકારીઓને CM રૂપાણીનું તાત્કાલિક તેડુ આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ગુજરાત સરકારના પૂર્વ વન પર્યાવરણ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જી.પં.ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવી અને નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય દોડી ગયા હતા.વિજય રૂપાણીએ એમની સાથે બેઠક કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામમાં લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્ન યોગ્ય છે કે કેમ અને જો યોગ્ય હોય તો એનો હલ કેવી રીતે લાવી શકાય એ તમામ બાબતોએ વિજય રૂપાણીએ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના લોકો એમ કહે છે કે સરકારે અમારી જમીન સંપાદિત કરી એનું વળતર આપ્યું નથી તો નર્મદા નિગમ એમ કહે છે કે વળતર ચૂકવાઈ ગયું હોવાના વાઉચર સરકારે કોર્ટમાં રજૂ કરી દીધા છે.હાલ સરકાર વધારાનું પેકેજ આપી રહી છે.આ વિવાદને લીધે પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે.

  એક તરફ પીએમ મોદીએ કેવડીયાને ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાની જાહેરાત કરી છે.એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં 6 ગામ લોકોનો વિવાદ અવરોધ પેદા કરી રહ્યો છે.કેવડીયાને વહેલી તકે ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવાય એ માટે જ 6 ગામનો પ્રશ્ન હલ કરવો એટલો જ જરૂરી બન્યો છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જ કારણોસર  અધિકારી ઓ અને સ્થાનિક નેતાઓને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે

(11:51 pm IST)