Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજ્યમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ : આરોગ્ય મંત્રીએ કહ્યું - સેવા યથાવત્ નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરશું

આરોગ્ય મંત્રએ કહ્યું કે જુનિયર તબીબો તેમની સેવા યથાવત્ રાખે. જો તેઓ તેમની હડતાળ યથાવત્ રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે

અમદાવાદ :પડતર માગને લઇ ફરી રાજ્યભરમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. જેના પગલે આજે આરોગ્ય મંત્રી ત્રુષિકેશ પટેલનું મોટું નિવેદન આપ્યું છે. બોન્ડની માંગણી મામલે આરોગ્ય મંત્રએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે જુનિયર તબીબો તેમની સેવા યથાવત્ રાખે. જો તેઓ તેમની હડતાળ યથાવત્ રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે. આ સાથે જૂનાયર તબીબો પોતાની સેવા યથાવત્ નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી પણ કરાશે. પાટણ ખાતે સરકારની 8 વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમમાં દરમ્યાન ત્રુષિકેશ પટેલે જુનિયર તબીબો મામલે આ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે પડતર માગણીઓને લઇને ફરી રાજ્યભરમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે ગુજરાતના સરકારી મેડીકલ કોલેજોના એક હજારથી વધારે રેસિડેન્ટ ડોક્ટરોએ મેડીકલ સુપરિટેન્ડેન્ટ, ડીન અને પીજી ડાયરેક્ટરને 24 કલાકનનું અલ્ટિમેટમ આપ્યું હતું અને બુધવારે એટલે કે 15 જૂને સવારે 9.00 વાગ્યાથી હડતાલ પર બેસી ગયા હતા. આ ઉપરાંત આવનારા 24 કલાકમાં પણ સંતોષકારક જવાબ આપવામાં આવશે નહી તો 16મી જૂને સવારે 9.00 વાગ્યાથી કોવિડ સેવાઓથી પણ અળગા રહીશું તેવી ચીમકી પણ ઊચ્ચારવામાં આવી છે.

આ પહેલા પણ રાજ્યભરમાં બોન્ડના સમયમાં ફેરફારને લઈને રેસિડેન્ટ ડોક્ટરો સરકાર સામે હડતાળ પર ઊતર્યા હતા, જે મુદ્દે અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચારેય શહેરોમાં અંદાજે 2000થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા હતા.બીજી બાજુ, સરકાર આ વિવાદમાં નમતું જોખવા તૈયાર નથી. એવામાં રેસિડેન્ટ ડોક્ટરો હવે છેક સુધી લડી લેવાના મૂડમાં છે.

ડોક્ટરોના કહેવા પ્રમાણે, છેલ્લા એક વર્ષથી આરોગ્ય વિભાગમાં બોન્ડને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે રજૂઆત કરી હતી. જોકે હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી જે દુઃખદ બાબત છે. દુઃખની વાત તો એ છે કે, ત્રણ વર્ષની રેસિડેન્સિમાં 36 મહિનામાંથી 17 મહિના કોવિડ મહામારીની વિકટ સ્થિતિમાં પણ અવિરત ફરજ બજાવી છે. બીજી તરફ જૂનિયર ડોક્ટર એસોસિએશનની માગણી છે કે, અમારા એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સિમાં ગણવામાં આવે. આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ માગણીને યોગ્ય ઠેરવી હતી. જાે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી. હવે અમારી ધીરજ ખૂટી રહી છે અને નાછૂટકે અમારે આવનારા દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડી છે.

(12:34 am IST)