Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અમદાવાદમાં ૧૦૦ કરોડનો બંગલો વેચવાનો છે

બીગ ડીલ:૪૫૦૦ સ્‍કેવર યાર્ડમાં ફેલાયેલો છેઃ જમીનનો જ ભાવ એક સ્‍કેવર યાર્ડના ૨ લાખ

અમદાવાદ, તા.૧૬: રીયલ એસ્‍ટેટના જમીન - મકાનના રૂઢીગત સોદાઓમાં નોખી ભાત પાડતો હોય તેમ અમદાવાદમાં એક બંગલો ૧૦૦ કરોડમાં વેચવા મુકાયો છે. અમદાવાદ સ્‍થિત એક સ્‍ટીલના ઉદ્યોગપતિએ પોતાનો ઇસ્‍કોન-આંબલી રોડના પોશ વિસ્‍તારમાં આવેલો બંગલો વેચવા કાઢયો હોવાનું બજારના સુત્રોએ જણાવ્‍યુ છે. ૪૫૦૦ વારમાં ઉભા કરાયેલ આ બંગલાને ખરીદવા એક ડેવલપરે એગ્રીમેન્‍ટ સાઇન કર્યા છે.

સુત્રો અનુસાર આ વિસ્‍તારમાં જમીનના ભાવ ૧ વારના લગભગ ૨ લાખ રૂપિયા છે. ઇસ્‍કોન - આમલી રોડ અલ્‍ટ્રા લકઝુરીયસ રહેણાંક મકાનો અને પ્રીમીયમ ઓફીસ સ્‍પેસ માટે ઉભરી રહેલો વિસ્‍તાર બની ગયો છે. ગયા વર્ષે આ વિસ્‍તારમાં લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાના જમીનના સોદાઓ થયા હતા.

ગયા વર્ષના થયેલ કેટલાક જમીન સોદાઓમાં ભાવ ૧ વારના ૧.૮૦ લાખથી ૨.૭૦ લાખ રૂપિયા જેટલા રહ્યા હતા. સૂત્રો અનુસાર, આ બંગલાનો સોદો પણ આ રેન્‍જ થયો હોવાની શકયતા છે.

ઇસ્‍કોન-આંબલી રોડ પર ઘણા સોદાઓ થઇ રહ્યા છે કેમ કે ડેવલપરોને આ વિસ્‍તારમાં ૫.૪ સુધીની એફએસઆઇ મળે છે. આ વિસ્‍તારમાં રહેણાંક અને વ્‍યાપારી મકાનોની માંગ વધવાનું એક કારણ એ પણ છે કે તે સાણંદ અને ચાંગોદરના ઔદ્યોગીક હબ સાથે સારી રીતે જોડાયેલ છે.

ઘણા ઉદ્યોગપતિઓ અને ટોચના એકઝીકયુટીવો આ રોડ પર પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. આ રોડ પર કોમર્શીયલ પ્રોપર્ટી અને ઓફીસ સ્‍પેસની માંગ નિયમીત રીતે વધી રહી હોવાનું રીયલ એસ્‍ટેટ માર્કેટના સુત્રોએ જણાવ્‍યું હતું.

(10:49 am IST)