Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હાલ રાજનીતિમાં નહિં જાઉં : નરેશભાઈ પટેલ

ખોડલધામના મોભી નરેશભાઈ પટેલે એક મહત્‍વનો નિર્ણય જાહેર કર્યો : ખોડલધામમાં રાજનીતિ ટ્રેનીંગ સેન્‍ટર શરૂ થશે : ખોડલધામની પ્રેસ કોન્‍ફરન્‍સ : નરેશભાઈ કહે છે કે ૮૦% પાટીદાર યુવાનો અને ૫૦% પાટીદાર મહિલાઓ ઈચ્‍છે છે કે હું રાજનીતિમાં જઉં અને ૧૦૦% વડીલોએ મને રાજનીતિમાં જવાની મનાઈ છે : પ્રશાંત કિશોરના સંબોધનની વાત અફવા હતી

તસ્‍વીરમાં પત્રકાર પરિષદના પ્રસંગની તસ્‍વીરમાં ખોડલધામ - કાગવડના મોભી નરેશભાઈ પટેલ તથા અન્‍ય ટ્રસ્‍ટીઓ અને મહિલા આગેવાનો, કાર્યકરો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ : ખોડલધામના મોભી નરેશભાઈ પટેલે આજે ખોડલધામ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્‍યુ હતું કે, હાલ હું રાજનીતિમાં જોડાવવાનું કાર્ય મોકૂફ રાખુ છું. ખોડલધામ દ્વારા ચાલતા શિક્ષણ, આરોગ્‍ય સહિતના વિવિધ પ્રકલ્‍પો આગળ ધપાવવા અમે સક્રિય થઈ ગયા છીએ. લોકડાઉન વખતે મેં ઘણુ જ વાંચ્‍યુ હતું, સરદાર સાહેબને પણ વાંચ્‍યા હતા. આ સમયે મારી ઈચ્‍છા થઈ હતી કે રાજનીતિમાં જોડાઈને સમાજની ખૂબ સેવા થઈ શકે. આ માટે મેં સમાજ સમક્ષ મારો વિચાર મૂકયો હતો. સમાજ તરફથી વિવિધ અભિપ્રાયો આવતા નિર્ણય કર્યો હતો કે પૂરા સમાજનો સર્વે કરવો અને જે નિર્ણય આવે તેનો અમલ કરવો. આ કારણે અમે સર્વે કરતા હતા. જેમાં ૮૦% યુવાનોએ અને ૫૦% મહિલાઓએ એક અવાજે કીધુ કે નરેશભાઇએ રાજનીતિમાં જોડાવવું જોઈએ. બીજી તરફ ૧૦૦% વડીલ વર્ગ મારા રાજનીતિમાં જોડાવવાનો વિરોધ કરતો હતો. વડીલોની ચિંતા હતી કે રાજનીતિમાં જોડાવવાથી આપણા વિરોધીઓ વધી જશે. આ ચિંતા પણ વ્‍યાજબી હતી. કારણ કે એક પક્ષમાં જોડાઈએ તો બીજો પક્ષ આપોઆપ વિરોધી થઈ જાય. આ અંગે અમે ખૂબ ચિંતન કરીને નિર્ણય પર આવ્‍યા છીએ કે હાલ હું રાજનીતિમાં જોડાતો નથી.

જો કે નરેશભાઈએ કહ્યું હતું કે હું વ્‍યકિતગત રીતે માનું છું કે મારે રાજનીતિમાં જઈ અને સેવા કરવી જોઈએ. એમ પણ માનુ છું કે વધારેમાં વધારે યુવા વર્ગ રાજનીતિમાં જાય. પાટીદાર યુવાનો દરેક પક્ષમાં હોવા જોઈએ. આ માટે ખોડલધામમાં રાજનીતિના ટ્રેનીંગ કલાસ શરૂ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્‍યો છે. આ કલાસમાં કોઈ પણ સમાજના લોકો ટ્રેનીંગ લઈ શકશે. નરેશભાઈને પૂછવામાં આવ્‍યુ કે તમે કોઈ પક્ષના પ્રેશરથી આ નિર્ણય કર્યો છે? તેના જવાબમાં નરેશભાઈએ કહ્યું હતું કે, બધા જ પક્ષો સાથે મેં વાતચીત કરી છે કોઈએ મને પ્રેશર કર્યુ નથી અને કોઈના પ્રેશરથી આ નિર્ણય કર્યો નથી. આ નિર્ણય મારા સમાજના સર્વે આધારે કરેલો છે. નરેશભાઈને હાર્દિક પટેલથી માંડીને સોનિયા ગાંધીની બેઠકો અંગે સવાલો પૂછવામાં આવ્‍યા હતા. પરંતુ તેનો કોઈ વિશેષ જવાબ આપ્‍યો ન હતો. એક વાત એવી હતી કે આજે રાજનીતિ યુગકાર પ્રશાંત કિશોર પણ વર્ચ્‍યુઅલી સંબોધન કરશે. પણ સમગ્ર પ્રેસ કોન્‍ફરન્‍સમાં એવુ કોઈ યોજાયુ ન હતું.

આજે સવારે નરેશભાઈની પત્રકાર પરિષદ પૂર્વે ખોડલધામમાં ટ્રસ્‍ટીઓની વિરાટ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી પ્રકલ્‍પો અંગે નિર્ણયો કરવામાં આવ્‍યા હતા.

(3:47 pm IST)