Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ક્રુડના ઊંચા ભાવ સામે બજારમાં ડિઝલ વેચવામાં ખોટના લીધે કંપનીઓએ પુરવઠો ઘટાડી દીધો

ગુજરાતમાં ડિઝલની અછત શરૂ થઇ ગઇ : રાજ્‍યની જરૂરીયાત સામે ૨૦ ટકા ઓછો પુરવઠોઃ કેટલાક સ્‍થળોએ રાશનીંગ કરી ઇંધણ ભરી આપવામાં આવે છે

અમદાવાદ, તા.૧૬: ગુજરાત રાજ્‍યમાં પરિવહનના મુખ્‍ય ઈંધણ ડિઝલમાં અછત ઉભી થઇ રહી હોવાનું જાણવા મળ્‍યું છે. દૈનિક પુરવઠા સામે ૧૫થી ૨૦ ટકા જેટલો ઓછો ડિઝલનો જથ્‍થો મળી રહ્યો છે. પેટ્રોલમાં પણ સામાન્‍ય અછત છે પણ તેનાથી કોઈને ઇંધણ મળે નહી તેવી શકયતા નથી. રાજ્‍યમાં સરકારી કંપનીઓમાં ઇન્‍ડિયન ઓઈલ, હિન્‍દુસ્‍તાન પેટ્રોલીયમ અને ભારત પેટ્રોલીયમ એમ ત્રણ કંપનીઓ મુખ્‍ય પેટ્રોલ પમ્‍પ ચલાવે છે તેમાં પુરવઠાની અછતના લીધે સૌથી મોટી તકલીફ ભારત પેટ્રોલીયમ અને હિન્‍દુસ્‍તાન પેટ્રોલીયમમાં જોવા મળી રહી હોવાનું અગ્રણી ઇંધણ વિતરકોએ જણાવ્‍યું હતું.

ક્રુડ ઓઈલના ભાવ ઊંચા છે અને દેશમાં વેચાણ કિંમત ઓછી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ડિઝલમાં એક લીટરે રૂ. ૨૨ અને પેટ્રોલમાં રૂ. ૧૨ની ખોટ જઈ રહી છે. આ સ્‍થિતિમાં ડિઝલનો પુરવઠો ઓછો કરી પોતાનો નફો જાળવી રાખવા માટે પ્રયાસ થઇ રહ્યો હોય એવી શકયતા જણાય રહી છે, એમ રાજ્‍યના એક અગ્રણી પેટ્રોલ ડીલરે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં મહીને ૫૫ કરોડ લીટર ડિઝલ અને ૨૩ કરોડ લીટર પેટ્રોલની માંગ સામાન્‍ય સંજોગોમાં જોવા મળે છે. અત્‍યારે આ માંગ સામે ૧૫ ટકા જેટલો પુરવઠો બે કંપનીઓમાં ઓછો આવી રહ્યો છે. ‘ઇન્‍ડિયન ઓઈલ કોર્પોરેશનમાં કોઈ તકલીફ નથી. જેટલો જથ્‍થો જોઈએ છે એ મળી રહી છે પણ હિન્‍દુસ્‍તાન પેટ્રોલીયમ અને ભારત પેટ્રોલીયમમાં જરૂરીયાત કરતા ઓછો ડિઝલનો જથ્‍થો મળી રહ્યો છે,' એમ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશનના અરવિંદ ઠક્કરે જણાવ્‍યું હતું.

બજારના સુત્રોએ જણાવ્‍યું હતું કે જે રીતે પુરવઠો આવી રહ્યો છે તે જરૂરીયાત કરતા ઘણો ઓછો છે. ગુજરાતમાં મુખ્‍યત્‍વે ખાનગી કંપનીઓ તરફથી સરકારી કંપનીઓને પોતાની રીફાઇનરીમાંથી ડિઝલ અને પેટ્રોલ આપવામાં આવે છે. વેચાણ કિંમત કરતા ક્રુડ ઓઈલના ભાવ ઊંચા હોવાથી ખોટ વધી રહી છે અને તેના કારણે માલ ઓછો મળી રહ્યો હોય એવી શકયતા છે.

સુત્રોએ વધુમાં જણાવ્‍યું હતું કે શહેર કરતા ગામડા અને હાઈવે ઉપર હાલત વધારે ખરાબ છે. કેટલાક કિસ્‍સાઓમાં હાજરમાં ડિઝલ નથી હોવાથી, પુરતો પુરવઠો નહી મળી રહ્યો હોવાથી એક દિવસ પમ્‍પ ચાલુ રહે અને બીજા દિવસે બંધ રહે તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. કેટલાક કિસ્‍સાઓમાં જેટલી માંગ કરવામાં આવે છે તેની સામે માત્ર ૪૦ ટકાથી ૫૦ ટકા જ ડિઝલ મળે છે અને તેના લીધે દરેક વાહનોમાં ઇંધણ આપવું શકય નથી એવું પણ કેટલાક ડીલર્સે જણાવ્‍યું હતું.

એક ડીલરે જણાવ્‍યું હતું કે કેટલાક વિસ્‍તારોમાં અત્‍યંત તંગી છે તો કયાંક એવી સ્‍થિતિ છે કે ડિઝલ જેટલું આવે છે તે દિવસભર વાહનોમાં ભર્યા પછી ફરી નવા પુરવઠાની રાહ જોવી પડી રહી છે.

વાવણી સમયે જ ડિઝલની અછતથી ખેડૂત પરેશાનઃડીઝલની અછતના કારણે વરસાદ પહેલા જમીન ખેડવી, વાવણી કરવી એના માટે ટ્રેક્‍ટરની જરૂરીયાત રહે છે જે ડિઝલ ઉપર ચાલે છે. પૂરતા ડિઝલના અભાવે ટ્રેક્‍ટર ચાલી શકતા નથી અને ચોમાસાના આગમન સાથે જ આ તકલીફ આવતા વાવેતરમાં અસર પડે એવી શકયતા જોવા મળી રહી છે.

બલ્‍ક ખરીદનારાને પણ ઊંચા ભાવઃ ડિઝલમાં કેટલાક મોટા ગ્રાહકોને કંપનીઓ સાથે બલ્‍ક ખરીદીની પરમીટ હોય છે. આવા ગ્રાહકોને સામાન્‍ય સંજોગોમાં બજાર ભાવ કરતા સસ્‍તું ઇંધણ મળે છે. અત્‍યારે ઊંચા ભાવે કે રૂ. ૧૨૦થી ૧૨૨ પ્રતિ લીટરના ભાવે પણ તેઓ ડિઝલ ખરીદવા તૈયાર હોવાથી બજારમાં અન્‍યત્ર આવતો પુરવઠો, પેટ્રોલ પમ્‍પનો પુરવઠો પણ બલ્‍ક બાયર પાસે જઈ રહ્યો હોવાની ફરિયાદ મળી રહી છે.

(4:36 pm IST)