Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

"આભાર દર્શનની કલાત્મક રીત": પીએમસ્વનિધી યોજનાની લાભાર્થી બહેનો પ્રધાનમંત્રીશ્રી ને આવકારવા બનાવી રહી છે ૧૦૦ ફૂટ લાંબુ બિંદી મોઝેક

વડોદરા શહેરમાં ૬ હજારથી વધુ બહેનોને સ્વરોજગાર અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે પ્રધાનમંત્રી શ્રીએ શરૂ કરાવેલી આ યોજનાએ

રાજકોટ તા.૧૬ :આભાર માનવાની જુદી જુદી રીતો હોય છે.વડોદરા શહેરની બહેનો એ ૧૮ મીએ વડોદરાના મહેમાન બનનારા પ્રધાનમંત્રીશ્રી નો આભાર માનવા કલાત્મક પરિશ્રમ આદર્યો છે.આ એ બહેનો છે જેમને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યા માર્ગે લઈ ગઈ છે. 

એટલે પી.એમ.સ્વનીધી યોજનાના પ્રણેતા વડાપ્રધાનશ્રી ને ઉમળકા સાથે આવકારવા અને હ્રદયપૂર્વક તેમનો આભાર માનવા આ બહેનો ૧૦૦ ફૂટ લાંબુ કલા ચિત્ર,સૌભાગ્યના પ્રતિક રૂપ બિન્દીઓ ને કાપડ પર ચિપકાવીને બિન્દી મોઝેક બનાવી રહી છે. 

યાદ રહે કે કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી.  

તે સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરકારે પી.એમ.સ્વનિધી યોજના શરૂ કરાવી ને નાના ધંધા રોજગાર કરનારાઓને રૂ.૧૦ હજાર કે રૂ.૨૦ હજારની મૂડી રોજગારી વિષયક પ્રવૃત્તિઓ શરૂ કરવા ખૂબ સરળતા થી ઉપલબ્ધ કરાવી હતી.આ યોજનાના લાભાર્થીઓમાં વડોદરા શહેરની બહેનોની મોટી સંખ્યા છે.આ બહેનો જ  સંકટમાં થી ઊગારનારી આ યોજનાના પ્રણેતા પ્રધાનમંત્રીશ્રી નો આભાર કલા સર્જન દ્વારા માની રહી છે.

  વડોદરા મહાનગર પાલિકાના મેયર શ્રી કેયુર રોકડિયા તથા મ્યુનિસીપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આ બહેનોના કલા સર્જન નું નિરીક્ષણ કરીને તેમને પ્રોત્સાહિત કરી હતી.ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગર પાલિકાએ શહેરી જરૂરિયાતમંદો ને આ યોજનાનો સરળ લાભ આપવા ખાસ અભિયાન ચલાવ્યું હતું.તેના હેઠળ ૬૭૨૨ મહિલાઓ સહિત કુલ ૧૭૨૩૬ લાભાર્થીઓને જામીનગીરી વગર અને નજીવા વ્યાજ થી ધિરાણ દ્વારા મૂડી પૂરી પાડવામાં આવી હતી.સૂક્ષ્મ ધિરાણની આ સુવિધાથી તેમની કોરોના થી આડા પાટે ચઢેલી જીવન નૈયાને સીધા માર્ગે લાવવામાં ખૂબ મદદ મળી હતી.સીમા ચૌહાણ,શર્મિષ્ઠા ભટ્ટ સહિતની મહિલા લાભાર્થીઓ એ આ યોજનાના પ્રણેતા પ્રધાનમંત્રી ને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

(4:53 pm IST)