Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વડોદરાના રાવપુરા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા શકુનિઓને ઝડપી પોલીસે એક લાખની રોકડ જપ્ત કરી

વડોદરા: શહેરના રાવપુરા વિસ્તારના કાકાસાહેબના ટેકરા ઉપર વર્ષોથી અસામાજિક પ્રવૃત્તિ ધમધમે છે. જેની સાબિતી રાવપુરા  સહિત અલગ અલગ પોલીસ મથકે નોંધાયેલા ગુના છે. દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તારાબેનના નામે વરલી મટકાના જુગારના હિસાબની ઉઘરાણી કરતાં સાયકલ સવાર શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રામાકાકાની ડેરી પાસેથી ઝડપી પાડી એક લાખ ઉપરાંતની રોકડ કબજે કરી હતી.

લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન 01 વડોદરા શહેરને ચોક્કસ માહિતી મળી હતી કે, સુરેશ ડાયા ભાઈ સોલંકી ( રહે - દેસાઇપુરા ,કરોળિયા ,વડોદરા ) પોતાની સાઇકલ ઉપર અલગ-અલગ જગ્યાએથી આંક ફરકના આંકડા જુગારનો હિસાબ ઉઘરાવે છે. અને હાલમાં તે રૂપિયા સાથે કરોળિયા થી છાણી કેનાલ તરફ પસાર થવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી સુરેશ સોલંકીને ઝડપી પાડયો હતો. પોલીસે અંગ જડતી દરમિયાન આંક ફરકની ચીઠીઓ તેમજ રોકડા રૂપિયા 1.1 લાખ કબજે કર્યા હતા. હિસાબ બાબતે પૂછતાછમાં આરોપીએ તારાબેન શાંતિલાલ રાવળ ( રહે - કાકાસાહેબનો ટેકરો,  રાવપુરા ,વડોદરા ) ને આપવાનો હોવાની કબૂલાત કરી હતી. આમ રાવપુરા પોલીસની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. બનાવ સંદર્ભે છાણી પોલીસે સુરેશ સોલંકીની જુગારધારા હેઠળ અટકાયત કરી વોન્ટેડ તારાબેનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:04 pm IST)