Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

‘‘ઉડતા ગુજરાત !'' : નારકોટિક્‍સ કંટ્રોલ બ્‍યૂરોએ સુરતથી 724 કિલો ગાંજો ઝડપી આંતરરાજ્‍ય ડ્રગ્‍સ રેકેટનો પર્દાફાશ કર્યો

ડ્રગ્‍સ સિન્‍ડિકેટને તોડવા ગુજરાત પોલીસે કમર કસી : મોટા કંસાઇન્‍મેન્‍ટ પકડી ફક્‍ત જૂન માસમાં જ ડ્રગ્‍સનો કુલ 13,15,700 કિગ્રાનો જથ્‍થો જપ્‍ત કર્યો

અમદાવાદ : ગુજરાતનુ યુવાધન દિવસેને દિવસે નશાનાં રવાડે ચડતુ જાય છે. જેને અટકાવવા ગુજરાત પોલીસે કમર કસી છે. સુરતમાંથી નારકોટિક્‍સ કંટ્રોલ બ્‍યૂરો દ્વારા બાતમીનાં આધારે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો ઝડપી લેવામાં આવ્‍યો છે. જેમાં 724 કિલો ગાંજા સાથે એન.સી.બી.એ 6 શખ્‍સોને ઝડપી લીધા છે. તેમજ એન.સી.બી.એ ઠેર-ઠેર દરોડા પાડી ડ્રગ પેડલરોને જેલ હવાલે કર્યા છે. આમ ફક્‍ત જૂન માસમાં જ અંદાજે 13,15,700 કિલો ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાયો છે.

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ગુજરાત ટીમે સુરત ખાતેથી ફરી એક વખત મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપી 1 લાખ રોકડ, અને 2 વાહનો સહિત 724 કિલો ગાંજો કબ્જે કરવામાં આવ્યો છે. હાલ તો એનસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છ શખ્સોને NCBની ટીમે ગાંજાના જથ્થા સાથે સુરતમાંથી ઝડપી લીધા છે. ગાંજો ભરી એક ટ્રક ઓડિશાથી સુરત આવવાનો હોવાની માહિતી NCBને પેહેલેથી જ હતી અને તે દરમ્યાન આ જથ્થો જે વ્યક્તિ રીસિવ કરવાની હતી તેના સહિત 6 લોકોને NCBએ ઝડપી લીધા. આ સાથે જ ગાંજાના જથ્થા ઉપરાંત બે વાહનો અને એક લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકારની કાર્યવાહીથી આંતરરાજ્ય ટીમનો પર્દાફાશ NCBએ કર્યો છે. આ સિવાય પણ ડ્રગ્સ સિન્ડિકેટને તોડવા રાજ્યની પોલીસ કમર કસી રહી છે અનેક મોટા કંસાઈમેન્ટ પકડી ડ્રગ પેડલરોનો જેલ હવાલે કર્યા છે. ત્યારે NCBએ ગત જૂન માસમાં જ ડ્રગ્સના ત્રણ કેસો કરી મોટી સફળતા હાંસલ કરી છે. અગાઉ NCBએ વાપીમાંથી સાયકોટ્રોફિક સબસ્ટેન્સના ઉત્પાદનમાં સામેલ ફેક્ટરીમાંથી સાયકોટ્રોફિક સબસ્ટેન્સનો 68 કિગ્રા જથ્થો જપ્ત કર્યો હતો. બાદમાં અમદાવાદમાં અન્ય એક કાર્યવાહી કરી NCBટીમે 523 કિગ્રા ગાંજા સાથે ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ 13 લોકોની ધરપકડ કરી હતી. જોકે આમ જૂન મહિનામાં જ ડ્રગ્સનો કુલ 1,315.700 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

(5:05 pm IST)