Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નડિયાદમાં મિત્રની જમીન પચાવી પાડનાર મિત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

નડિયાદ: શહેરમાં મિત્રની જમીન પચાવી પાડનાર મિત્ર સામે નડિયાદ પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ જીતેન્દ્રકુમાર વિનુભાઈ પટેલ (રહે. આણંદ)ના કુટુંબી ફૂવા હસમુખભાઈ પટેલ છેલ્લાં ઘણા વર્ષોથી અમેરિકા મુકામે રહે છે. તેઓની ભારતમાં ઘણી પ્રોપર્ટી આવેલ હોય અને તેઓ વિદેશ રહેતા હોય તેઓની મિલ્કતના વ્યવહાર માટે જીતેન્દ્રકુમારને તા. ૧૦-૦૧-૨૦૨૨ના રોજ નડિયાદ મુકામે આવેલ નડિયાદ સીટી સર્વે નં. ૩૯૭/૧૪૨ વાળી મિલ્કત જેનો સીટ નં. ૧૧ જેનું ક્ષેત્રફળ ૧૫૮.૨૩ ચો.મી. મ્યુનિસિપલ વોર્ડ નં. ૩ જેનું બાંધકામ ૮૮ ચો.મી.વાળી જગ્યા કે, જે નડિયાદ મેડિકલના નામે ઓળખાય છે અને નડિયાદ શહેરના સરદાર બાવલાથી ડભાણ ભાગોળ તરફના વિસ્તારમાં આવેલ છે, જે મિલ્કત બાબતે સ્વતંત્ર નિર્ણય લેવા જીતેન્દ્રકુમારને પાવર ઓફ એટર્ની આપેલ હતી. આ અગાઉ હસમુખભાઈ પટેલ તથા પ્રકાશભાઈ રાવજીભાઈ પટેલ (રહે. નડિયાદ) મિત્ર હતા અને ઉક્ત મિલ્કત બાબતે હસમુખભાઈ પટેલે પ્રકાશભાઈને ૧૬-૦૨-૨૦૧૧ના રોજ પાવર આપ્યો હતો. જોકે તા. ૦૫-૦૬-૨૦૧૨ના રોજ આર. જે. મહેતા નોટરી સમક્ષ પ્રકાશભાઈની હાજરીમાં પાવર રદ કરાવેલ હતો. જોકે કબજો પ્રકાશભાઈનો હતો. આ કબજો ખાલી કરાવવા જણાવ્યું હતું પરંતુ પ્રકાશે કબજો ખાલી કર્યો ન હતો અને મિલ્કત પચાવી પાડવા કારસ્તાન કર્યું હતું. આ બાબતે જીતેન્દ્રકુમારે જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી ટીમે સમગ્ર બાબતે તપાસ હાથ ધરીને પ્રકાશભાઈ રાવજીભાઈ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કરતા જીતેન્દ્રકુમાર વિનુભાઈ પટેલની ફરિયાદના આધારે પ્રકાશભાઈ રાવજીભાઈ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 pm IST)