Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વડોદરાના કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશાળ મનમોહક રંગબેરંગી રંગોળી

વડોદરાના મોલ ખાતે 25 બાય 10 ફૂટની રામ મંદિરની આરતી કરતા પીએમની રંગોળી બનાવી:એસ.ટી. ડેપો ખાતે પીએમના વિશાળ સ્વરૂપને રંગોળીનો ઉપયોગ દર્શાવાયું :360 કિલો વિવિધ કલરનો ઉપયોગ

વડોદરા : વડાપ્રધાન મોદીના વડોદરા શહેરમાં આગમનને હવે એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યોરે શહેરનું તંત્ર વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. વડોદરા શહેરમાં 18 જૂનના રોજ પીએમ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવા માટે કલાનગરીના બે વિવિધ સ્થળે વિશાળ રંગોળી બનાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પીએમ મોદીના આગમનને લઇને તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પીએમ મોદીના સ્વાગત અર્થે શહેરના એક મોલ અને એસ.ટી. ડેપો ખાતે એમ બે સ્થળો પર બે વિશાળ રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 360 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક રંગોળીમાં પીએમ મોદીનું વિશાળ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. અને બીજી રંગોળીમાં પીએમ મોદી રામ મંદિરની આરતી કરી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

વડોદરાના મોલ ખાતે 25 બાય 10 ફૂટની રામ મંદિરની આરતી કરતા PM ની રંગોળી બનાવી છે. જ્યારે એસ.ટી. ડેપો ખાતે વડાપ્રધાનના વિશાળ સ્વરૂપને રંગોળીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. 360 કિલો વિવિધ કલરનો ઉપયોગ કરીને કલાકારોએ રંગોળી બનાવી છે. મહત્વનું છે કે ગત 13 જૂને રાત્રીના 9 કલાકે રંગોળી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે રોજના 6 કલાક આપીને 15 જૂને મધ્યરાત્રિના 3 કલાકે એટલે કે 18 કલાકની મહેનતના અંતે આ રંગોળી પૂર્ણ થઈ હતી .

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના આગમનને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના સ્વાગતમા સમગ્ર વડોદરા શહેરમાં તેમના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત પાલિકા દ્વારા સુરક્ષાની પણ તમામ વ્યવસ્થા કરી દેવામા આવી છે. જેથી વડોદરા શહેરમાં પીએમ મોદીના સ્વાગતની તમામ તૈયારીઓ હવે પૂર્ણતાના આરે પહોંચી ગઇ છે. ત્યારે હવે તેઓના સ્વાગતના ભાગ રૂપે વડાપ્રધાનની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.

(8:20 pm IST)