Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વિશ્વ યોગ દિવસે ભરૂચ છવાશે દેશમાં :3 સ્થળોએ રોમાંચક અને અવિસ્મરણીય નજારો સર્જાશે : કલેકટર તુષાર સુમેરા

જિલ્લામાં યોગદિવસ માટે 75 સ્થળ કરાયા નક્કી: સૌથી વધુ સંખ્યાનો રેકોર્ડ સાથે આકર્ષણ પણ ઉભું કરાશે: તમામ 9 તાલુકા મથક, પાલિકા, સરકારી કચેરીઓ, PHC, CHC ,શાળા-કોલેજો અને સંસ્થાઓ પણ કરશે યોગદિવસની ઉજવણી

ભરૂચ : અમૃત મહોત્સવ હેઠળ 21 જૂન યોગા દિવસે ભરૂચ જિલ્લો 3 સ્થળે આઇકોનીક આયોજન કરી ભારતભરમાં છવાઈ જશે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, ઐતિહાસિક ગિલ્ડન બ્રિજ, 8 લેન એક્સપ્રેસ વે અને કબીરવડ ખાતે આઇકોનીક આયોજન કરવામાં આવ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ભરૂચ જિલ્લો આ વખતે 21 જૂન વિશ્વ યોગ દિનનું આઇકોનીક આયોજન કરવા સૌપ્રથમ વખત જઈ રહ્યો હોવાની માહિતી જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ગુરૂવારે આપી હતી

દેશમાં રાષ્ટ્ર સ્તરે છવાઈ જવા અને એક અનોખો રેકોર્ડ સ્થપિત કરવા 21 જૂને સૌપ્રથમ વખત મુંબઈ-દિલ્હી 8 લેન એક્સપ્રેસ વે કરવાનું આયોજન ભરૂચ જિલ્લા દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. એવી જ રીતે બીજું સુપ્રસિદ્ધ સ્થળ છે ભરૂચનું નર્મદા નદી વચ્ચે આવેલું ઐતિહાસિક પ્રવાસન ધામ કબીરવડ. અને ત્રીજું સ્થળ જિલ્લા મથકે ઐતિહાસિક ગોલ્ડનબ્રિજને પસંદ કરાયું છે. ગોલ્ડનબ્રિજ નીચે નાવડીઓ મૂકી ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવી યોગ નિદર્શન કરવામાં આવશે. આ તમામ ઇવેન્ટોને ડ્રોનથી કંડારી આ અદભુત નજારો અને ક્ષણ દેશભરમાં નોંધપાત્ર બને તેવા તમામ પ્રયત્નો જિલ્લાનું પ્રશાસન કરી રહ્યું છે.

જિલ્લામાં 3 સ્થળે આઇકોનીક ઉજવણી સાથે કુલ 75 સ્થળે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં શાળાના 70 હજાર જેટલા બાળકો સાથે 2 થી 3 લાખ લોકો જોડાશે.

જિલ્લા સાથે તમામ 9 તાલુકા મથકો, ગ્રામ્ય સ્તરો, શાળા, કોલેજો, સંસ્થાઓ, નગર પાલિકાઓ, સરકારી કચેરી ખાતે પણ યોગદિવસ ઉજવાશે. પ્રેસ કોન્ફ્રરન્સમાં આર.ડી.સી., અન્ય સરકારી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ, યોગ બોર્ડ, બ્રહ્મકુમારી સહિતના જોડાયા હતા.

(8:27 pm IST)