Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પીએમ મોદીના માતા હીરાબાના 100 વર્ષ નિમિતે રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડનું ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામકરણ કરાયું

ગાંધીનગરની મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો: હીરાબા હાલ ગાંધીનગરના રસાયણના વૃંદાવન બંગલોમાં રહે છે

ગાંધીનગર : પીએમ મોદીના માતા હીરાબા 18મી જૂનના રોજ 100 વર્ષ પૂણ કરશે. આગામી 18મીએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે તે દિવસે તેમની માતાનો જન્મ દિવસ છે. જેથી રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટર સુધીના માર્ગને વડાપ્રધાન મોદીના માતા હીરાબાના નામે નામકરણ કરવાની ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જાહેરાત કરી છે.

મળતી માહિતી અનુસાર, દેશના વડાપ્રધાન મોદીના માતા હીરાબા શતાયુ વર્ષના થવા જઈ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરની મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરાબા હાલ ગાંધીનગરના રસાયણના વૃંદાવન બંગલોમાં રહે છે. જેથી ગાંધીનગરના વાસીઓની માંગ હતી કે, રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામકરણ કરવામાં આવે. જેને ધ્યાને રાખી મહાનગરપાલિકા મેયર હિતેશ મકવાણા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આવનારી પેઢી વડાપ્રધાન મોદીના માતા હીરાબા કરેલા ત્યાગ, તપસ્યા, સેવામાંથી બોધપાઠ લઈ શકે તે હેતુસર રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટર રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામ આપવામાં આવી રહ્યું છે.

, હીરાબાના જન્મદિવસ નિમિત્તે વડનગર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં વડાપ્રધાન ઉપસ્થિત નહિ રહે પરંતુ હીરાબાના આર્શીવાદ લેવા તેઓ પંકજભાઈના નિવાસસ્થાને જઈ શકે છે..

આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકા મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપણા દેશમાં જેઓએ પોતાનું જીવન ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાને નૌછાવર કર્યું છે. તેવા આપણા દેશના વડાપ્રધાન મોદીના માતા હીરાબા તા.18 જૂન, 2022ના રોજ 100 વર્ષ પૂર્ણ કરશે. જેથી ગાંધીનગરની જનતા દ્વારા લોક માંગ કરવામાં આવી હતી. તેમની માંગ હતી કે, વડાપ્રધાનના માતા હીરાબાના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાન તરફ રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટર રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે જાહેર કરવામાં આવે. જેને લઈને આ માર્ગને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(8:35 pm IST)