Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમમાં જનમેદનીની સુવિધા માટે સભાસ્થળે સાત જર્મન ડોમ ઉભા કરાયા

.17 લાખ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા સભા સ્થળમાં 500 કારીગરો સાથે 1 સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર, 5 કાર્યપાલક ઇજનેર, 15 નાયબ કાર્યપાલક ઇજનેર, 30 મદદનીશ ઇજનેર પણ જર્મન ડોમ અને અન્ય આંતરમાળખાકીય સુવિધા માટે કાર્યરત

વડોદરા :પીએમ મોદી 18મીએ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થશે. પીએમ મોદીના  કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર જનમેદનીની સુવિધા માટે સભાસ્થળે 7 વિશાળ જર્મન ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 6 જૂનથી 500 લોકો આ વિશાળ અને અત્યાધુનિક જર્મન ડોમ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.17 લાખ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા સભા સ્થળમાં 500 કારીગરો સાથે 1 સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર, 5 કાર્યપાલક ઇજનેર, 15 નાયબ કાર્યપાલક ઇજનેર, 30 મદદનીશ ઇજનેર પણ જર્મન ડોમ અને અન્ય આંતરમાળખાકીય સુવિધા માટે કામ કરી રહ્યા છે.

 સુવિધાયુક્ત અને અત્યાધુનિક જર્મન ડોમમાં સુવિધામાં અહીં વરસાદ કે ગરમીની કોઇ અસર લોકોને નહીં થાય. આ ઉપરાંત જનમેદનીની સુવિધા માટે અહીં 80 LED અને સાડા ચાર હજાર પંખા ફીટ કરવામાં આવ્યા છે, જેથી ગરમીની ચિંતા વગર શીતળ માહોલમાં જનમેદની  વડાપ્રધાનને LED પર નજીકથી નિહાળી શકે અને તેમને સાંભળી શકે. આ સાથે જ સભા સ્થળે મેડિકલ ટીમો, ઇ-ટોયલેટ વાન સહિતની સુવિધાઓ મળશે .

મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રૂ. 21,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂમિપૂજન થકી વિકાસની ભેટ મળવાની છે. 18મી જૂનના રોજ વડાપ્રધાન હાજરીમાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભવ્ય સભામાં ભારે માનવ મહેરામણ ઉમટવાનું છે. ત્યારે લોકોની સુવિધા માટે વહીવટી તંત્ર પણ ખડે પગે છે. જેમાં વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર એસ. જે. પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલ, કમલેશ થોરાત, દેવાંગ ભટ્ટ, નૈનેશ નાયકાવાલા, ડી. એમ. ફળદુ, નાયબ કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલ સહિત ફરજ બજાવી રહ્યા છે.

પીએમ મોદી શુક્રવારથી બે દિવસના ગુજરાત  પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી શુક્રવારે સાંજે 7.30 કલાકે અમદાવાદ પહોંચશે તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન  મોદીના માતા હીરાબા  18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. આ પહેલા પીએમ મોદી માર્ચમાં તેમની માતા હીરાબાને મળ્યા હતા. હવે ફરી તેમના જન્મદિવસ નિમીતે તેઓ હીરાબાના આશિર્વાદ લેશે.આ ઉપરાંત પીએમ મોદી પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે.

(9:50 pm IST)