Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

RTE અંતર્ગત રદ થયેલી અરજીઓમાં 17 થી 19 જુલાઈ દરમિયાન ઓનલાઈન સુધારો કરવાની તક આપવા નિર્ણય

ધોરણ-1માં 26 હજાર કરતા વધુ અરજીઓ રદ થતા વાલીઓમાં કચવાટ: 27 જુલાઈના રોજ RTEના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર

અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ( RTE ) અંતર્ગત ધોરણ-1માં 26 હજાર કરતા વધુ અરજીઓ રદ થઇ છે આવી અરજીઓમાં સુધારો કરવા માટેની તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ 17 થી 19 જુલાઈ દરમિયાન રદ થયેલી અરજીઓમાં ઓનલાઈન સુધારો કરી શકાશે. ઉપરાંત દસ્તાવેજો પણ અપલોડ કરી શકાશે. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ 20થી 22 જુલાઈ દરમિયાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરાશે અને 27 જુલાઈના રોજ RTEના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 જુલાઈ સુધી વાલીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. RTEની 73 હજાર જેટલી બેઠકો સામે સમગ્ર રાજ્યમાંથી 1.81 લાખ જેટલી અરજીઓ આવી હતી. આ અરજીઓની ચકાસણી દરમિયાન 26 હજાર કરતા વધુ અરજીઓ રદ થઈ હતી. જેથી વિદ્યાર્થીઓની અરજીમાં સુધારો કરવાની તક મળે તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકને અનેક રજૂઆતો કરવામાં આવી હતી.

આ રજૂઆતોને ધ્યાને લઈને જેમની અરજી રદ થઈ છે તેવા અરજદારોને 17 જુલાઈથી 19 જુલાઈના સમયગાળા દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રદ થયેલી અરજીમાં જરૂરીયાત મુજબના દસ્તાવેજો અપલોડ કરવા માંગતા હોય તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમીટ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગેની જાણ અરજદારોને એસએમએસ મારફતે પણ કરી દેવામાં આવી છે.

જે અરજદારોની અરજી રદ થઈ છે તેઓ 19 જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે. ત્યારબાદ 20 જુલાઈથી આવી અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી જિલ્લા કક્ષાએ ત્રણ દિવસ ચાલશે અને 22 જુલાઈ સુધીમાં રિજેક્ટ થયા બાદ સુધારો કર્યો હોય તેવી અરજીઓની ચકાસણીની કામગીરી પુર્ણ કરવામાં આવશે. જો, આ સમયગાળા દરમિયાન રદ થયેલી અરજીમાં કોઈ સુધારો કરવા માંગતા ન હોય તો તેમની અરજી અમાન્ય રાખી નિયમોનુસાર RTEની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી બાદ RTEમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ 27 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં 12500 જેટલી બેઠકો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીમાં 30494 જેટલી અરજીઓ આવી હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 23762 અરજીઓ મંજુર થઈ હતી. જ્યારે 5502 જેટલી અરજીઓ રદ થઈ છે.જ્યારે 1230 અરજીઓ કેન્સલ થઈ હોવાનું જાણવા મળે છે. જેથી હવે 5502 જેટલી રદ થયેલી અરજીઓના અરજદારો 17 જુલાઈથી તેમાં સુધારો કરી શકશે.

(9:59 pm IST)