Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીનગરમાં પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલનો અદભુત નજારો

સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવાર માટેના રૂમની વ્યવસ્થા : ઓડિયો વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસપ્લે એરિયા તથા 105 મીટર લાંબુ કોલમ વગરનું એલ્યુમિનિયમનું છત ધરાવતું સ્ટેશન: અત્યાધુનિક પંચતારક હોટલનું 7 હજાર 400 ચોરસ મીટર આશરે 790 કરોડનાં ખર્ચે નિર્માણ :. 318 રૂમ ધરાવતી હોટલમાં રહેવાની અત્યાધુનિક વ્યવસ્થા.

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી આવતીકાલે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ અપાવાની છે. વડાપ્રધાન કાલે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

દેશના વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન સબવે છે. જે પ્લેટફોર્મ્ર્સને જોડે છે. આ ઉપરાંત અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવાર માટેના રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓડિયો વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસપ્લે એરિયા તથા 105 મીટર લાંબુ કોલમ વગરનું એલ્યુમિનિયમનું છત ધરાવતું સ્ટેશન છે.

ગરૂડ ગુજરાત સરકારની 74 ટકા અને રેલવે મંત્રાલયની 24 ટકા ભાગીદારી સાથે આ કેપિટલ રેલવે સ્ટેશન પુન નિર્મિત કરવામાં આવ્યું છે. વિકાસ અને આધુનિકરણની સાથે રેલવે સ્ટેશન સાથે નવનિર્માણાધીન પંચતારક હોટલ દેશ વિદેશનાં પ્રતિનિધિઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ 2024 પ્રારંભિક તબક્કે તૈયાર થઇ જનારા અમદાવાદ- મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો ટ્રેન રૂટ તથા સરખેજ ગાંધીનગરનો 6 માર્ગીય હાઇવે નવનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને રાજ્યના વિકાસને વધારે બળ પુરૂ પાડશે.

આ હોટલનું નિર્માણ એ પ્રકારે કરાયું છે કે, અવકાશીય ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક લાઇનમાં દેખાય. આ નવા નિર્માણોની ડિઝાઇ જ એવી છે કે, કેપિટલ રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, દાંડી કુટિર અને નવી પંચતારક હોટલ સાથે સમગ્ર કોમ્પલેક્ષ ફરતો 18 મીટર પહોળો અને પૂર્વ પશ્ચિમને જોડતો અંડરપાસ એકીકૃત થઇ ગયો હોય તેમ લાગે છે.

આ અંડરપાસ પૂર્વ ખ રોડ અને પશ્ચિમે ખ રોડ સાથે બાકીના રસ્તાઓને જોડે છે. મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર કોમ્પલેક્ષથી અત્યંત નજીકમાં અમદાવાદ સરકાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 20 મિનિટના અંતરે મહાત્મા ગાંધી મંદિર ખાતે બિઝનેસ સમિટ માટે આવતા મહાનુભાવો અને પ્રતિનિધિઓ સાથે અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ કોન્ફરન્સને ધ્યાનમાં રાખી આ સમિટ સેમિનાર કોન્ફરન્સમાં આવતા ડેલિગેટ્સની સુવિધા માટે અત્યાધુનિક પંચતારક હોટલનું રેલવે સ્ટેશન પાસે 7 હજાર 400 ચોરસ મીટર આશરે 790 કરોડનાં ખર્ચે નિર્માણ પામ્યું છે. 318 રૂમ ધરાવતી આ હોટલમાં રહેવાની અત્યાધુનિક વ્યવસ્થા છે 

(10:23 pm IST)