Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

'ગૌમૈયા રાખી' ગાયના છાણથી બનેલી રાખડી ધૂમ મચાવે છે : કિંમત રૂ. ૨૫ થી ૩૫ની વચ્ચે છે

ગુજરાતમાં હાલ ૫૦ જેટલા ઉત્પાદન કેન્દ્રો : બહારના રાજ્યોમાં ખુબ ડીમાન્ડ : આ રાખડીઓની ખુશ્બુ મન મોહી લ્યે તેવી અવનવી ડિઝાઇન - કલરની છે રાખડીઓ

અમદાવાદ તા. ૧૬ : રક્ષાબંધનના તહેવારને હવે પાંચ અઠવાડિયા જ રહ્યા છે ત્યારે ભાતભાતની રાખડીઓની ભરમાર થશે. આ વર્ષે ગાયના છાણમાંથી બનેલ રાખડીઓ સૌરાષ્ટ્રમાં બહુ ધ્યાન ખેંચશે. જો કે આ ગૌમૈયા નામે ઓળખાતી આ રાખડીઓ ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં પણ બજાર શોધી રહી છે.

કચ્છના અંજાર શહેરના ખેડૂત મેઘજી હિરાણી પોતાની ગૌમૈયા રાખડીની માંગથી બહુ ખુશ છે. તેમની રાખડીની માંગના કારણે તેમણે પાંચ મહિલાઓને પોતાને ત્યાં નોકરી આપી છે જેથી ઓર્ડર સમયસર પૂરો થઇ શકે. અત્યાર સુધીમાં તેને દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી ૬૦૦૦ નંગનો ઓર્ડર મળ્યો છે. એક નંગ રાખડીનો ભાવ ૩૦ રૂપિયા છે પણ હિરાણી મોટી ખરીદી કરનારને ડીસ્કાઉન્ટ આપે છે. હિરાણીએ વાતચીતમાં કહ્યું કે, ગુજરાતમાં મારા જેવા ગૌમૈયા રાખડી બનાવનારાઓ લગભગ ૫૦ જેટલા છે. મેં ૧૦૦૦૦ રાખડીઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હું રાખડી પર ચંદનના લાકડાનો પાઉડર લગાવું છું જેથી તેમાંથી સરસ ખુશબુ ફેલાતી રહે.

જુનાગઢના ખેડૂત ધીરજ ભાલાણી આવા જ એક અન્ય ઉત્પાદક છે જે ગાયના છાણમાંથી રાખડી બનાવે છે. તેની પત્ની અને માતા પોતાના હાથે આ રાખડીઓ બનાવે છે અને ધીરજભાઇ તે અમદાવાદ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રના શહેરોમાં વેચાણ પર ધ્યાન આપે છે. ભાલાણીએ પોતાની પ્રોડકટને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા માધ્યમ દ્વારા વિખ્યાત કરી છે. ૧૦૦૦થી વધારે રાખડીઓ વેચવાનું પ્લાનીંગ કરીને તેના પત્ની ભાવનાબેને કહ્યું કે, ગૌમૈયા રાખડીને ૧૦ પ્રકારની વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કર્યા પછી તે જાતે તેમાં અવનવા કલર પુરે છે. તેણે કહ્યું કે, ગાયના છાણમાંથી બનેલ રાખડીનો આઇડીયા ઘણી બહેનોને ના ગમતો હોય પણ અમારૃં વેચાણ વર્ષો વર્ષ વધી રહ્યું છે.

(11:40 am IST)