Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિ' સારા વરસાદના સંજોગો

કેરળથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી ટ્રફલાઈન છવાઈ : ભેજનું પ્રમાણ વધુ, પવનની ઝડપ પણ ઓછી હોય બપોર બાદ કોઈ- કોઈ સ્થળોએ ગાજવીજ સાથે ખાબકી જાયઃ કાંઠાળા વિસ્તારોમાં વધુ શકયતાઃ એન.ડી.ઉકાણી

રાજકોટઃ સમગ્ર રાજયમાં હાલ મેઘાવી માહોલ છવાયો છે. દરરોજ કોઈને કોઈ સ્થળોએ વરસી જાય છે. વાવણીલાયક વરસાદ વરસી રહયો હોય ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. દરમિયાન આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદના સારા સંજોગો છે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી અને.ડી.ઉકાણીએ જણાવેલ કે કેરળથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી ટ્રફલાઈન છે. તેમજ તાપમાન પણ ઉંચુ છે. પવનની ઝડપ પણ ઓછી છે. ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેની અસરથી તા.૧૬, ૧૭, ૧૮ એટલે કે શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસશે. ખાસ કરીને બપોર બાદ વધુ શકયતા રહેલી છે. કાંઠાળા વિસ્તારોમાં પણ વધારે સંભાવના છે.

દરમિયાન રાજકોટ શહેરની વાત કરીએ તો દિવસ દરમ્યાન તાપ સાથે અસહય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સાંજના સમયે હળવાથી મધ્યમ વરસાદ વરસી જાય છે. ગઈસાંજે પણ બફારો પ્રર્વતતો હતો. મેઘરાજા ફરી જમાવટ કરશે. તેવું વાતાવરણ જોવા મળતું હતું પરંતુ વરસ્યો ન હતો.

(12:41 pm IST)