Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીનગર-સરખેજ હાઇવે નજીક ખોરજ બ્રિજ પર ઉભેલ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાતા શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર : ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર ખોરજ બ્રીજ ઉપર ટ્રક બગડતાં ચાલકે તેને ઉભી રાખી હતી તે દરમ્યાન કારના ચાલકે ઓવરટેક કરવા જતાં આ ટ્રકની પાછળ કાર ઘુસાડી દેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાજુમાં બેઠેલા અન્ય વ્યક્તિને પણ ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન ચાલકનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે અડાલજ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મુળ રાજકોટ ગોંડલના લુણીવાવ ગામે રહેતા છત્રપાલસિંહ જાડેજા એસઆરપી ગૃ્રપ-૧૭માં ફરજ બજાવે છે અને છેલ્લા બે મહિનાથી તેઓ ગાંધીનગર સચિવાલયમાં કામ કરી રહયા છે તેમણે ફરીયાદ નોંધાવી હતી કે તેમના વતન લુણીવાવ ખાતે જવાનું હોવાથી રજા લઈને ઈસ્કોન સર્કલ પહોંચ્યા હતા જયાં લુણીવાવ ગામમાં રહેતા મિત્ર સતીષભાઈ મનસુખભાઈ હરણેસાને ફોન કરીને બોલાવ્યા હતા. સતીષભાઈ અને છત્રસિંહ કારમાં બેસી વાતો કરતા હતા અને તેમણે પણ લુણીવાવ જવાની ઈચ્છા દર્શાવતાં સતીષભાઈ છત્રપાલસિંહને પરત મુકવા માટે ગાંધીનગર આવવા નીકળ્યા હતા. સતીષભાઈ કાર ચલાવી રહયા હતા તે દરમ્યાન વૈષ્ણોદેવીથી આગળ ખોરજ બ્રીજ ઉપરથી કાર પસાર થઈ રહી હતી તે સમયે અન્ય કારને ઓવરટેક કરવા જતાં આગળ ઉભેલી ટ્રકની પાછળ તેમની કાર ઘુસી ગઈ હતી અને સતીષભાઈ અને છત્રપાલસિંહને ઈજાઓ પહોંચી હતી જેના પગલે અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન સતીષભાઈનું મોત નીપજયું હતું. હાલ આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.

(5:02 pm IST)