Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીનગર નજીક રૂપાલ ગામે યુવતીને ભગાડી ગયા હોવાની અદાવતમાં યુવકના પરિવાર પર લાકડીથી હિંસક હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક આવેલા રૃપાલ ગામમાં રહેતો યુવાન દોઢ મહિના અગાઉ ગામની જ યુવતિને ભગાડી ગયો હતો જેની અદાવત રાખીને યુવાનના પિતા ખેતરમાં હતા તે દરમ્યાન યુવતિના પરિવારજનોએ લાકડીઓ સાથે હિંસક હુમલો કર્યો હતો અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો આ ઘટનાના પગલે પેથાપુર પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવીને ગુનો નોંધવા માટેની તજવીજ શરૃ કરી છે.  

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા રૃપાલ ગામમાં રહેતા વિષ્ણુભાઈ મણીલાલ પટેલનો પુત્ર દોઢ મહિના અગાઉ ગામમાં જ રહેતી યુવતિને ભગાડી ગયો હતો અને તેની સાથે પ્રેમલગન કરી લીધા હતા. હજુ સુધી આ યુવક-યુવતિનો પતો લાગ્યો નથી. યુવતિના પરિવારજનો પણ તેમને શોધી રહયા છે ત્યારે વિષ્ણુભાઈ પટેલ અને તેમના સગા પાર્થ રોહિતભાઈ પટેલ ખેતરમાં કામ ઉપર હતા તે દરમ્યાન રૃપાલ ગામમાં રહેતાં નાગજીભાઈ ગાંડાભાઈ રબારીઅજમલભાઈ નારણભાઈ રબારી તેમનો પુત્ર તેજા રબારી સહિત અન્ય લોકો લાકડીઓ તેમજ અન્ય હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને વિષ્ણુભાઈ સાથે તેમનો પુત્ર અને પુત્રી કયાં છે તે અંગે પુછપરછ કરીને ઝગડો કર્યો હતો. ત્યારબાદ આ શખ્સો વિષ્ણુભાઈ અને પાર્થ ઉપર લાકડીઓ લઈને તુટી પડયા હતા. જેમાં વિષ્ણુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી બચાવી સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડયા હતા. હાલ ગામમાં સ્થિતી વણસે નહીં તે માટે પેથાપુર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આ સંદર્ભે ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

(5:02 pm IST)