Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીનગર કેપિટલ – વારાણસી જંકશન ટ્રેન અમદાવાદ કાલુપુર સ્ટેશને પહોંચતા પ્રદીપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની દૂરંદેશી અને દીર્ઘદ્રષ્ટિકોણથી આ ભેટ ગુજરાતને મળી છે જેનું ગૌરવ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ભારતના સૌથી પ્રાચીન શહેર વારાણસીને ગુજરાતના સૌથી ઝડપી વિકસતા શહેર ગાંધીનગરને જોડતી સુપર ફાસ્ટ સાપ્તાહિક ટ્રેનનો આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો.

ગાંધીનગરથી પ્રસ્થાન થયેલી ટ્રેન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આવી પહોંચી ત્યારે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેનુ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,”આજનો દિવસ ગુજરાત માટે વિકાસની નવી ઉંચાઈઓ સર કરનારો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની દૂરંદેશી અને દીર્ઘદ્રષ્ટિકોણથી આ ભેટ ગુજરાતને મળી છે જેનું ગૌરવ છે”

” ગુજરાતનું ગ્રોથ એન્જિન રેલવે છે અને રેલવેના વિકાસની સાથે રાષ્ટ્રનો વિકાસ જોડાયેલો છે તેમ જણાવતા ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે કાર્યરત છે. ગુજરાતમાં રોજ રોજ વિકાસના નવા આયામો પ્રજાર્પણ કરવામાં આવી રહ્યા છે. એ જ પુરવાર કરે છે કે, ગુજરાત વિકાસની દોડમાં પણ અગ્રેસર છે.

ઉત્તર ભારતમાંથી આવીને અમદાવાદમાં વસવાટ કરવાવાળા અનેક લોકોને આ ટ્રેન શરું થવાથી આવનજાવનમા ખૂબ સરળતા રહેશે. આ સાપ્તાહિક ટ્રેન ગુજરાતના ધર્મપ્રેમી યાત્રિકોને વારાણસીની સીધી સુવિધા ઉપલબ્ધ કરાવશે એમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાસંદ ડો કિરીટ સોલંકી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, પશ્ચિમ રેલવે મુખ્ય પ્રબંધક સંજય ગુપ્તા, જીલ્લા કલેકટર સંદિપ સાગલે, જીલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલિયા, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:56 pm IST)