Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘કર્મભૂમિ' રાણપુરમાં ખાદી અને સાહિત્‍યનો અનન્‍ય સમન્‍વય

ગુજરાતની અગ્રગણ્‍ય ખાદી સંસ્‍થા ‘ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ' ખાતે ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્‍તકાલય'ની સ્‍થાપના : ગુજરાતના ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા માન્‍યતા-પ્રાપ્ત અને અનુદાનિત સર્વપ્રથમ સાર્વજનિક પુસ્‍તકાલય : ગુજરાતના સર્વપ્રથમ ગાંધીદર્શન કોર્નર સાથોસાથ મેઘાણી-સાહિત્‍ય કોર્નરની પણ સ્‍થાપના : ગુજરાતના લબ્‍ધપ્રતિષ્ઠિત સાહિત્‍યકારોની ઉત્તમ કૃતિઓ ખાસ ઉપલબ્‍ધ કરાઇ : ગુજરાતી ભાષા-સાહિત્‍યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ધર્મ, ચિંતન, આરોગ્‍ય, બાળસાહિત્‍ય અને લોકસાહિત્‍ય જેવાં વિવિધ વિષયોનાં ૫૦૦૦ જેટલાં પ્રેરણાદાયી પુસ્‍તકોનું સુયોગ્‍ય ચયન કરીને મૂકાયા : હાથ-બનાવટ, હાથ-વણાટની ઊની ખાદીનાં અવનવાં : આકર્ષક ઉત્‍પાદનોનું તેમજ માહિતીસભર, રસપ્રદ સચિત્ર કાયમી પ્રદર્શન

રાજકોટ તા. ૧૬ : આઝાદી કા અમૃત મહોત્‍સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ નિમિત્તે કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) ખાતે ખાદી અને સાહિત્‍યનો અનન્‍ય અને અનોખો સમન્‍વય થયો. લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ૧૯૫૮માં સ્‍થાપિત અને આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્‍વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્‍થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ગુજરાતના ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે સહુપ્રથમ ગુજરાત રાજયના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્‍યતા-પ્રાપ્ત, અનુદાનિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્‍તકાલયની સ્‍થાપના થઈ છે.ᅠ

નવી પેઢી આપણાં ગૌરવવંતાં સાહિત્‍ય-સંસ્‍કૃતિની મહામૂલી વિરાસત, સ્‍વાતંત્ર્ય સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરોએ આપેલ આહુતિ તેમજ ગાંધી-મૂલ્‍યો-વિચારોથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા લોકસેવક, ખેડૂત આગેવાન, જગતાત ફલજીભાઈ રાહાભાઈ ડાભીના પૌત્ર, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીની પરિકલ્‍પનાથી મહાત્‍મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક ભૂમિ રાણપુર ખાતે આ પુસ્‍તકાલયની સ્‍થાપના થઈ છે.ᅠ

૧૫૦૦ ચો.ફૂટ જેટલી જગ્‍યામાં સ્‍થાપિત આ પુસ્‍તકાલયમાં ગુજરાતના સર્વપ્રથમ ગાંધીદર્શન કોર્નર સાથોસાથ મેઘાણી-સાહિત્‍ય કોર્નર ઉપરાંત ગુજરાતી ભાષા-સાહિત્‍યના કવિતા-ગઝલ, નવલકથા, નવલિકા, વાર્તા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ધર્મ, ચિંતન, આરોગ્‍ય, બાળસાહિત્‍ય અને લોકસાહિત્‍ય જેવાં વિવિધ વિષયોનાં લબ્‍ધપ્રતિષ્ઠિત સાહિત્‍યકારો દ્વારા લિખિત ૫૦૦૦ જેટલાં પ્રેરણાદાયી પુસ્‍તકોનું પિનાકી મેઘાણી દ્વારા સુયોગ્‍ય ચયન કરીને ઉપલબ્‍ધ કરાયાં છે. હાથ-બનાવટ, હાથ-વણાટની ઊની ખાદીનાં અવનવાં આકર્ષક ઉત્‍પાદનોનું તેમજ માહિતીસભર, રસપ્રદ સચિત્ર પ્રદર્શન પણ અહિ કાયમી ધોરણે રાખવામાં આવશે.

ધંધુકાના સાહિત્‍ય-સંસ્‍કૃતિ-પ્રેમી પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા, ટેક્‍સસ્‍પીન બેરીંગ લિ.ના યુવા મેનેજિંગ ડીરેકટર અને ઉદ્યોગપતિ દીપેનભાઈ ભૂપેન્‍દ્રભાઈ મકવાણા, ખ્‍યાતનામ લોકગાયક, સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ અભેસિંહ રાઠોડ, ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર, સાહિત્‍ય-અભ્‍યાસુ, શિક્ષણવિદ્‌ ડો. જયેન્‍દ્રસિંહ જાદવ, પુસ્‍તક-પ્રેમી ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્‍વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક (અમદાવાદ-ભાવનગર) આર. ડી. પરમાર, અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ વજુભાઈ શાહ અને અનારબેન અક્ષયભાઈ શાહ, રાણપુર સરપંચ ગોસુભા પરમાર, અગ્રણીઓ નરેન્‍દ્રભાઈ દવે, વિનોદભાઈ સોલંકી, મયુરભાઈ પટેલ, સિધ્‍ધરાજભાઈ રબારી, અને હીરાભાઈ ખાણીયા, મનુભાઈ ચાવડા-રાજા અને અનિરુધ્‍ધસિંહ ચાવડા (સુંદરિયાણા), રમેશભાઈ બદ્રેશિયા (મોટી વાવડી), રાજુભાઈ પટેલ (ઓતારિયા), પ્રતાપભાઈ ડોડીયા (નાની વાવડી), મનહરસિંહ ચુડાસમા (વાગડ), ભરતસિંહ મકવાણા (ભૃગુપુર), ગુમાનસંગ ડોડીયા (અરણેજ), ગ્રંથાલય નિયામકની કચેરીના ઈશ્વરભાઈ પંડ્‍યા, પૂર્વ સરપંચ અબ્‍બાસભાઈ ખલાણી, શિક્ષણ જગતમાંથી કાદરભાઈ કોઠારીયા, હસમુખભાઈ પટેલ અને સરોજબેન પટેલની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.ᅠ ᅠ ᅠᅠ ᅠ ᅠ

લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતો થકી હ્રદયસ્‍પર્શી સ્‍વરાંજલિ અર્પણ કરી હતી. ભરતભાઈ પંડ્‍યા, ડો. જયેન્‍દ્રસિંહ જાદવ, ડો. અક્ષયભાઈ શાહ, ગોવિંદસિંહ ડાભી અને પિનાકી મેઘાણીએ પ્રેરક વકતવ્‍ય આપ્‍યું હતું.ᅠᅠ

ગાંધીદર્શન કોર્નર અને મેઘાણી-સાહિત્‍ય કોર્નરનું સૌજન્‍ય ડો. અક્ષયભાઈ શાહ - અનારબેન શાહ અને ધીરૂભાઈ ધાબલીયા - ગ્રામ સ્‍વરાજ મંડળનું છે. પુસ્‍તકોનું સૌજન્‍ય પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, ગ્રંથાલય નિયામકની કચેરી, ગૂર્જર ગ્રંથરત્‍ન કાર્યાલય (મનુભાઈ શાહ), ગૂર્જર સાહિત્‍ય પ્રકાશન (ધીમંતભાઈ શાહ), નવયુગ પુસ્‍તક ભંડાર (નીલેશભાઈ મહેતા) અને જૈન મુનિશ્રી યશેશયશ મ.સા.નું છે.ᅠ લોકસેવક, સ્‍વાતંત્ર્ય-સેનાની, મહાત્‍મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નિકટના સાથી મણિલાલ કોઠારીની ૧૩૨જ્રાક જન્‍મજયંતી નિમિત્તે એમના દોહિત્રી અનારબેન શાહ દ્વારાᅠ જન્‍મભૂમિ ભૃગુપુર (તા. ચુડા, જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત માધ્‍યમિક શાળાને મેઘાણી-સાહિત્‍ય ભેટ અપાયું હતું.ᅠ પિનાકી મેઘાણી અને ગોવિંદસિંહ ડાભીએ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર (આઈએએસ), યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નર પી. આર. જોષી (આઈએએસ), ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્‍વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક (અમદાવાદ-ભાવનગર) આર. ડી. પરમારનો હ્રદયથી આભાર માન્‍યો હતો.ᅠ ᅠ ᅠ ᅠ ᅠ

ગુજરાતના લબ્‍ધપ્રતિષ્ઠિત સાહિત્‍યકારોની ઉત્તમ કૃતિઓ અહિ ખાસ ઉપલબ્‍ધ કરાઈ છે. નવલકથાકાર-વાર્તાકાર : કનૈયાલાલ મુનશી, ગોવર્ધનરામ ત્રિપાઠી, રમણલાલ નીલકંઠ, ર. વ. દેસાઈ, રામનારાયણ વિ. પાઠક, ધૂમકેતુ, ઈશ્વર પેટલીકર, ગુણવંતરાય આચાર્ય, ચુનિલાલ મડિયા, જયંતિ દલાલ, ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી (દર્શક), જયંત ખત્રી, જય ભિખુ, વૈદ્ય મોહનલાલ ચુનિલાલ ધામી, વજુ કોટક, મધુ રાય, ચંદ્રકાંત બક્ષી, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, કુમારપાળ દેસાઈ, મોહમદ માંકડ, રજનીકુમાર પંડ્‍યા, દિનકર જોષી, ભગવતીકુમાર શર્મા, જોસેફ મેક્‍વાન, દિલીપ રાણપુરા, વીનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટ તેમજ કુન્‍દનિકા કાપડીયા, ધીરૂબેન પટેલ, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા. કવિ : નરસિંહ મહેતા, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ, નર્મદ, દલપતરામ, ન્‍હાનાલાલ, કલાપી, કાન્‍ત, ખબરદાર, સુન્‍દરમ્‌, દુલા ભાયા કાગ, ઉમાશંકર જોષી, ઉશનસ, વેણીભાઈ પુરોહિત, કૃષ્‍ણલાલ શ્રીધરાણી, સુંદરજી બેટાઈ, સ્‍નેહરશ્‍મિ, પ્રિયકાંત મણિયાર, રાવજી પટેલ, જયંત પાઠક, હરીન્‍દ્ર દવે, રમેશ પારેખ, ચિનુ મોદી, વિનોદ જોષી, મનોજ ખંડેરીયા. ગઝલકાર : શૂન્‍ય પાલનપુરી, મરીઝ, ગની દહીવાલા, અમૃત ઘાયલ, શેખાદમ આબુવાલા, નઝીર દેખૈયા, આદિલ મન્‍સૂરી, ખલીલ ધનતેજવી, રાજેશ મિસ્‍કીન. ચિંતક : કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સ્‍વામી આનંદ, ફાધર વાલેસ, સ્‍વામી સચ્‍ચિનાનંદ, કાંતિ ભટ્ટ, ગુણવંત શાહ. હાસ્‍ય : જયોતીન્‍દ્ર દવે, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, મધુસુદન પારેખ, અશોક દવે.ᅠ ᅠ ᅠ

 એપ્રિલ ૧૯૨૫માં ગાંધીજી સાથે ઝવેરચંદ મેઘાણીની સહુપ્રથમ મુલાકાત રાણપુર ખાતે થઈ હતી. ધોલેરા સત્‍યાગ્રહનું કેન્‍દ્ર-બિંદુ તેમજ ઝવેરચંદ મેઘાણી રચિત સિંધુડોનાં ૧૫ શૌર્ય, દેશપ્રેમનાં ગીતોની રચના અહિ થઈ હતી. આઝાદીની મંત્રણા માટે બીજી ગોળમેજી પરિષદ માટે ઈંગ્‍લેન્‍ડ જઈ રહેલા મહાત્‍મા ગાંધીની મનોવ્‍યથાનું સચોટ નિરૂપણ કરતા કાવ્‍ય છેલ્લો કટોરોની રચના ૨૭ ઓગસ્‍ટ ૧૯૩૧ના રોજ ઝવેરચંદ મેઘાણીએ અહિ કરી હતી અને રાષ્ટ્રીય શાયરનું ગૌરવભર્યું બિરૂદ ગાંધીજી પાસેથી પામ્‍યા હતા. આજીવન ખાદી ધારણ કરનાર ઝવેરચંદ મેઘાણીએ ખાદીના પ્રચાર-પ્રસાર માટે રાણપુર સ્‍થિત તે વખતના ફૂલછાબ પ્રેસમાં ખાદી ભંડારની સ્‍થાપના પણ કરી હતી.ᅠ આથી આનું સવિશેષ મહત્‍વ છે.(૨૧.૧૬)

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(10:50 am IST)