Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં મેઘરાજા મહેરબાન : સીઝનનો ૮૪ ટકા વરસાદ

આ વખતે રાજ્‍યના ૪૧ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ પાણી પડયું : કચ્‍છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ પડયો : જિલ્લા મુજબ વલસાડ ૯૧ ઇંચ સાથે રાજ્‍યભરમાં મોખરે : તાલુકા વાઇઝ જોઇએ તો કપરાડામાં ૧૨૭ ઇંચ તો ધરમપૂરમાં ૧૦૩ ઇંચ ખાબક્‍યો

રાજકોટ તા. ૧૬ : ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્‍યા છે અને અત્‍યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્‍યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજયમાં ૧૪ ઓગસ્‍ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્‍ટ સુધીં ૧૨.૧૮ ઈંચ સાથે રાજયમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજયના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્‍યો છે.

ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્‍છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્‍છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જયારે પૂર્વ મધ્‍ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જયારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્‍યો છે. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

કચ્‍છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જયારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્‍યો છે. ૪૩ તાલુકામાં સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.

રાજયના જે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેમાં દાહોદ મોખરે છે. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્‍દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાઇ શક્‍યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જયારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જયારે ૧૪ ઓગસ્‍ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની સ્‍થિતિ

કચ્‍છ ૨૪.૨૨ - ૧૩૫%, દક્ષિણ ૫૪.૫૨ - ૯૪%, સૌરાષ્ટ્ર ૨૧.૧૨ - ૭૯%, ઉત્તર ૨૧.૧૫ -૭૫%, પૂર્વ મધ્‍ય૨૩.૦૨ ૭૩%, સરેરાશ ૨૮.૨૦ -૮૪.૨૬% વરસાદ નોંધાયો છે.

કયા જિલ્લામાં સૌથી ઓછો?

દાહોદ ૧૩.૦૭ - ૪૫.૯૭%, સુરેન્‍દ્રનગર ૧૪.૧૩ - ૬૦.૫૩%, ભાવનગર ૧૫.૧૫ - ૬૩.૦૦%, અમદાવાદ ૧૫.૨૭ - ૫૬.૩૮%, મોરબી ૧૫.૭૪ - ૭૨.૩૯%ᅠ વરસાદ નોંધાયો છે.(૨૧.૫)

દાહોદમાં રાજ્‍યનો સૌથી ઓછો માત્ર ૧૩ ઇંચ વરસાદ નોંધાયો

(11:09 am IST)