Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ગુજરાતમાં દારૂબંધી કડક કરીશું: કેજરીવાલ

શિક્ષણ-આરોગ્‍ય સેવા ઉત્તમ કરીને ફ્રીમાં અપાશેઃ સરકારો પાસે નાણાની અછત નથી, દાનત ખરાબ હોવાથી રાજયની આર્થિક સ્‍થિતિ કથડે છેઃ ૩૦૯ દેશોમાં આરોગ્‍ય-શિક્ષણ ફ્રી છે, આ દેશોની આર્થિક સુખાકારી વધી છેઃ ફ્રીએ મૂડી રોકાણ છે, જેનાથી ઉત્તમ નાગરિકનું નિર્માણ થાય છેઃ દિલ્‍હીમાં રાજકોટના પત્રકારો સાથે અરવિંદભાઇની વાતચીત : ગુજરાતમાં મુખ્‍યમંત્રી પદનો ચહેરો કોઇપણ બની શકે છે, નેતાગીરી લોકો નકકી કરશેઃ દિલ્‍હીમાં ધો. ૧રના છાત્રોને પોતાનો વ્‍યવસાય કરવા સક્ષમ કર્યા

રાજકોટના પત્રકારો સાથે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ નજરે પડે છે. ‘આપ' ના અગ્રણીઓ આદિલજી, સુધીરજી, વિષ્‍ણુજી વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ :.. ગુજરાતમાં દારૂબંધી કડક રીતે અમલમાં મુકવાનું વચન ‘આપ' નેતા અરવિંદભાઇ કેજરીવાલે આપ્‍યું છે. તાજેતરમાં રાજકોટના વિવિધ મીડિયાના પત્રકારોએ દિલ્‍હી પ્રવાસ ખેડયો હતો. આ પ્રવાસનની વિશેષ વિગતો બાદમાં પ્રકાશિત કરાશે. પ્રવાસ દરમિયાન દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વિશેષ વાતચીત કરી હતી, જેની ઝલક માણીએ.

કેજરીવાલે કહયું હતું કે, અમે રાજનીતિ કરવા મેદાનમાં નથી આવ્‍યા. દિલ્‍હી મોડેલ આદર્શરૂપે રજૂ કરી રહ્યા છીએ. કોઇપણ સરકારોને લોકોની ઉત્તમ સેવા કરવાનું મેનેજમેન્‍ટ શીખવું હોય તો અમે શુધ્‍ધભાવથી શીખવીશું.

કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્‍હીની ‘આપ'  સરકાર પ્રારંભથી જ રાષ્‍ટ્રધ્‍વજને વિશેષ સન્‍માન આપવા પ્રયાસ કરે છે. આ માટે અને વિશેષ યોજના ઘડીને તેને સફળ કરી છે. વડાપ્રધાન મોદીજીના હર ઘર તિરંગા અભિયાનમાં પણ અને આગળ પડતો સહયોગ કરીને હર હાથ તિરંગા સૂત્ર આપ્‍યું હતું. દિલ્‍હીમાં આપ સરકારે પચ્‍ચીસ લાખ તિરંગાનું વિતરણ નિઃશુલ્‍ક કરાયું હતું.

કેજરીવાલજીએ જણાવ્‍યું હતું કે, અમે દેશભકિત વિકસે તે માટે વિશેષ બજેટ ફાળવ્‍યું છે. દિલ્‍હીમાં મહત્‍વના સ્‍થાનો પર ૧૧પ ફુટ ઊંચા રાષ્‍ટ્રધ્‍વજ કાયમ માટે લહેરાતા કર્યા છે. દરેક રાષ્‍ટ્રધ્‍વજ હેઠળ એક તિરંગા સન્‍માન સમિતિ બની છે, જેમાં  પાંચ વ્‍યકિત સક્રિય છે, આ ઉપરાંત દરેક શાળાઓમાં રાષ્‍ટ્રભકિતના સ્‍પેશિયલ કડાસ શરૂ કર્યા છે.

‘આપ' સરકારે દિલ્‍હીમાં ર૮ ટકા બજેટ શિક્ષણ માટે ફાળવ્‍યું છે, જે અંતર્ગત શાળાનું સ્‍ટકચર એવન લેવલનું બનાવીને સિસ્‍ટમમાં અમૂલ પરિવર્તન કરીને ઉત્તમ શિક્ષણ પધ્‍ધતિ અમલમાં મૂકી છે. આ અંગે કેજરીવાલ કહે છે કે, ર૦૧પ માં અમે સત્તામાં આવ્‍યા ત્‍યારે શાળાઓની દશા અતિ ખરાબ હતી. શાળાના બિલ્‍ડિંગ્‍સને ઉત્તમ બનાવવા ઉપરાંત વિનામૂલ્‍યે હાઇ કવોલિટી શિક્ષણના પ્રયોગો થયા છે, જે સફળ રહ્યા છે. દેશ-વિદેશની ઉત્તમ શૈક્ષણીક સંસ્‍થાઓમાં ટીચર્સ તથા આચાર્યોને વિશેષ ટ્રેનિંગ અપાવી છે. આ પ્રયાસોથી સરકારી શાળાના પરિણામો ૯૯.૭ ટકા સુધી પહોંચ્‍યા છે.

કેજરીવાલ સરકારે બાળકો આત્‍મનિર્ભર બને તે હેતુથી શાળામાં જ વ્‍યવસાય, ટ્રેનિંગ પ્રોગ્રામ અમલમાં મૂકયો છે. બાળકોએ વ્‍યવસાય માટેના ૧પ૦ આઇડિયા ઉદ્યોગકારો સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં ઘણાં આઇડિયામાં નામી ઉદ્યોગકારો મૂડી રોકાણ કરવા તૈયાર થયા છે. કેજરીવાલજી કહે છે કે, દિલ્‍હીની સરકારી સ્‍કૂલના ધો. ૧ર ના બાળકો નોકરી માટે ફાંફા નથી મારવાના એ પોતાનો વ્‍યવસાય કરીને નોકરી આપવા સક્ષમ બની રહ્યા છે. આ ક્રાંતિકારી કદમ છે. દિલ્‍હી સરકારના  વિવિધ પ્રોગ્રામથી ગરીબ-મધ્‍યમ વર્ગના બાળકો ક્રિએટીવ, સક્ષમ અને રાષ્‍ટ્રભકિત બની રહ્યા છે.

ફ્રીના વિરોધ અંગે કેજરીવાલજી કહે છે કે, અમે ફ્રી યોજનાઓ હેઠળ લોકોમાં મૂડીરોકાણ કરીએ છીએ. આ લોકો સ્‍વમાનભેર ધબકે અને ઉત્તમ નાગરિક બને તે ધ્‍યેય  છે. ફ્રીથી રાજયની આર્થિક સ્‍થિતિ કથડતી નથી. સરકારો પાસે નાણાની અછત નથી, દાનત ખરાબ હોવાથી રાજયની આર્થિક સ્‍થિતિ બગડે છે.

૩૦૯ દેશોમાં આરોગ્‍ય - શિક્ષણ ફ્રી જ છે, છતાં એ દેશોની દશા બગડવાને બદલે સુધરી છે.

કેજરીવાલે જણાવ્‍યું હતું કે, આ કારણે હું દેશભરમાં લોકોને કહું છું કે, મારી વાતો પર વિશ્વાસ ન કરો, દિલ્‍હી આવીને ખુદ સ્‍થિતિ જુઓ.

કેજરીવાલે ગુજરાત અંગે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં સીએમનો ચહેરો કોઇપણ બની શકે છે, જે લોકો જ નકકી કરશે. ગુજરાતમાં વીજળી-શિક્ષણ-આરોગ્‍ય સેવા વગેરે અંગે દિલ્‍હીનું મોડેલ રજૂ કરાશે.

દિલ્‍હી પ્રવાસ માટે રાજકોટ ‘આપ' નેતા અને પક્ષમાં રાષ્‍ટ્રીય પદ ધરાવતા ઇન્‍દ્રનીલભાઇનો પરોક્ષ સહયોગ રહ્યો હતો.

(3:48 pm IST)