Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કાલથી અમુલનું દુધ મોંઘુઃ લિટરે રૂા.૨નો વધારો

કાળઝાળ મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક ડામઃ તહેવારો ટાંકણે ગૃહિણીઓમાં દેકારોઃ માસિક બજેટ વેરવિખેર : અમુલ ગોલ્‍ડની થેલી હવે ૩૧ રૂપિયાઃ તાજાનો ભાવ ૨૫ રૂપિયા તથા શકિત દુધ ૨૮ રૂપિયાનું ૫૦૦ ગ્રામ

અમદાવાદ, તા.૧૬: કાળઝાળ મોંઘવારીના વિષચક્રમાં પીસાતી પ્રજાને જન્‍માષ્‍ટમીના તહેવારો પૂર્વે જ ગુજરાત મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશને આંચકો આપ્‍યો છે. આવતીકાલથી અમલી બને એ રીતે અમુલના દુધના ભાવમાં લીટરે રૂા.૨નો વધારો અમલી બનશે. અમુલ ગોલ્‍ડની થેલી હવે રૂા.૩૧માં, શકિતની રૂા.૨૮ અને તાજાની રૂા.૨૫ની મળશે. દુધના ભાવ વધતા હવે મીઠાઇ પણ મોંઘી થશે. સામાન્‍ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્‍યારે તેને વધુ એક ફટકો પડ્‍યો છે. હવે દૂધમાં ભાવ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં ૨ રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે ૧૭ ઓગસ્‍ટ  ૨૦૨૨થી લાગુ થશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્‍હી એનસીઆર, મુંબઈ, પશ્‍ચિમ બંગાળ અને અન્‍ય તમામ બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. બે નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. અમૂલના દૂધમાં લિટરે બે રુપિયાનો ભાવવધારો લાગુ કરાતા આવતીકાલથી અમૂલ ગોલ્‍ડના ૫૦૦ MLનો ભાવ ૩૧ રૂપિયા થઇ જશે. તો અમૂલ શક્‍તિના ૫૦૦ MLનો ભાવ ૨૮ રુપિયા થઇ જશે. જયારે અમૂલ તાજાના ૫૦૦ MLનો ભાવ ૨૫ રુપિયા થઇ જશે.

ક્રમ  દૂધનો પ્રકાર    પેકિંગની વિગત નવો ભાવ

૧   અમૂલ ગોલ્‍ડ    ૫૦૦ ML              ૩૧ રૂપિયા

૨   અમૂલ શક્‍તિ    ૫૦૦ ML              ૨૮ રૂપિયા

૩   અમૂલ તાજા    ૫૦૦ ML              ૨૫ રૂપિયા

આવતી કાલથી અમૂલનો નવો ભાવ વધારો લાગુ થશે

અમૂલના ભાવમાં ફરીવાર વધારો લાગુ કરાતા એકવાર ફરી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. તમને જણાવી દઇએ કે, એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી તો જનતા પરેશાન છે. એમાંય ઉપરથી હવે મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે.

અમૂલ ગોલ્‍ડ, શક્‍તિ અને તાજા સહિત તમામ દૂધમાં અમૂલે લિટરે ૨ રૂપિયાનો વધારો કર્યો છે. જે ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. એટલે કે તારીખ ૧૭મી ઓગસ્‍ટથી આ નવો ભાવવધારો લાગુ પડશે. આમ, છેલ્લા એક વર્ષમાં લિટરે ૬ રૂપિયાનો ભાવવધારો કરાતા આવતીકાલથી જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગશે.

પાંચ ટકા જીએસટી-ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ લાગુ પડી જતાં અઢાર જુલાઈથી દહીં અને છાશના ભાવમાં અમૂલે વધારો કરી દીધો હતો. દહીંના એક કિલોના પેકના ભાવ રૂા. ૪ વધારીને રૂા.૬૯ કરી દીધા હતા. દહીંના ૨૦૦ ગ્રામના પાઉચમાં રૂા. ૧નો, ૪૦૦ ગ્રામના પાઉચમાં રૂા.૨નો વધારો કર્યો. ૪૦૦ ગ્રામના પાઉચના ભાવ રૂા. ૩૦થી વધીને રૂા. ૩૨ થઈ ગયા. ૨૦૦ ગ્રામના દહીંના કપના ભાવ ર૦થી વધારી રૂા.૨૧ અને ૪૦૦ ગ્રામના કપના ભાવ રૂા. ૪૦થી વધારી રૂા.૪૨ કરી દેવામાં આવ્‍યા.  પ્રી પેક કે પ્રી લેબલ્‍ડ બટરમિલ્‍ક-છાશ અને દહીં કર્ડને જીએસટીને પાત્ર ગણવાનો જીએસટી કાઉન્‍સિલમાં નિર્ણય લેવામાં આવ્‍યો છે.

 

ટુંક સમયમાં દુધથી બનતી મીઠાઇઓ પણ મોંઘી થશે : ખાનગી ડેરીવાળા પણ ભાવ વધારશે

રાજકોટઃ અમુલે દુધનો ભાવ વધારો જાહેર કરતા હવે દુધ મોંઘુ થયુ છે જેની સીધી અસર દુધથી બનતી વિવિધ પ્રકારની મીઠાઇઓ પણ મોંઘી થશેઃ જન્‍માષ્‍ટમી- શીવરાત્રી- દશેરા- દિવાળીએ લોકોને મીઠાઇ ખરીદવા ગજવા વધુ હળવા કરવા પડશે એટલુ જ નહિ અમુલને પગલે ખાનગી ડેરી સંચાલકો પણ લીટરે રૂા.૨નો ભાવ વધારો અમલી બનાવશે. રાજકોટમાં ખાનગી ડેરીમાંથી પણ દુધની ખપત નોંધપાત્ર રહેતી હોય છે.

(3:57 pm IST)