Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સુરતના ડભોલી ચાર રસ્તા નજીક ઓનલાઈન સાયકલ ખરીદવી યુવકને ભારે પડી:ભેજાબાજે ક્યુઆર કોડ મોકલી 90 હજાર સેરવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના  ડભોલી ચાર રસ્તા ખાતે રહેતા રત્નકલાકારના પુત્રએ OLX પર સાયકલ વેચવા જાહેરાત મુક્યા બાદ સાયકલ ખરીદવાના બહાને આર્મી જવાનના સ્વાંગમાં ગઠીયાએ ક્યુઆર કોડ મોકલી સ્કેન કરાવી એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.90,288 સેરવી લીધા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વલભીપુરના રાજપરા ( ભાલ ) ના વતની અને સુરતમાં ડભોલી ચાર રસ્તા મનિષનગર સોસાયટી ઘર નં.78 માં રહેતા 43 વર્ષીય રત્નકલાકાર વિકાસભાઇ પ્રવિણભાઇ સવાણી વરાછા વી.જેમ્સમાં નોકરી કરે છે. હતું 6 ઓગષ્ટના રોજ તેમના પુત્ર જયનીશએ જૂની સાયકલ વેચવા OLX  ઉપર પોતાના નંબરથી જાહેરાત મૂકી હતી. તે જોઈને અજાણ્યા નંબર પરથી ફોન કરી નરેશકુમાર નામના વ્યક્તિએ પોતે આર્મીમાં છે તેમ કહી સાયકલ ખરીદવા તૈયારી દર્શાવી હતી. તેણે ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ મારો માણસ સાયકલ આવીને લઈ જશે તેમ કહેતા જયનીશે હા પાડી હતી.આથી તેણે પેમેન્ટ માટે એકાઉન્ટ વેરીફાઈ કરવા ક્યુઆર કોડ મોકલતા જયનીશે તેમાં રૂ.1 જમા કરાવ્યો તેની સામે તેણે રૂ.2 જમા કરાવ્યા હતા. બાદમાં નરેશકુમારે બીજો ક્યુઆર કોડ મોકલ્યો હતો. તે જયનીશે સ્કેન કરતા વિકાસભાઈના એકાઉન્ટમાંથી રૂ.1999 કપાઈ ગયા હતા. આ અંગે જયનીશે નરેશકુમારને ફોન કરી કહેતા તેણે ભૂલથી આવી ગયા છે હું પાછા જમા કરી દઉં છું કહી બીજો ક્યુઆર કોડ મોકલ્યો હતો. તે ક્યુઆર કોડ સ્કેન કરતા ફરી 49,148 કપાઈ ગયા હતા.થોડીવારમાં બીજા રૂ.39,141 કપાતા આ અંગે બેન્કને જાણ કર્યા બાદ વિકાસભાઈએ ગત શનિવારે સિંગણપોર પોલીસ મથકમાં કુલ રૂ.90,288 ની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

(4:15 pm IST)