Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ભરૂચની સંસ્‍કાર વિદ્યા ભવન શાળામાં ધો.3માં અભ્‍યાસ કરતી દુર્વા મોદી ગરીબ બાળકોની ફી માટે શહેરમાં ડોનેશન ઉઘરાવી કરે છે ભગીરથ કાર્ય

કોરોના કાળમાં 100 જેટલા જરૂરીયાતમંદ બાળકો માટે કપડા અને ભોજનની વ્‍યવસ્‍થા કરી હતી

ભરૂચઃ ભરૂચની સંસ્‍કાર વિદ્યા ભવન શાળામાં અભ્‍યાસ કરતો 8 વર્ષની બાળા દુર્વા મોદી સ્‍વતંત્રતા પર્વ પર ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોની ફી માટે પરિચીતો પાસે ડોનેશન ઉઘરાવવાનું ભગીરથ કાર્ય કરે છે. બાળપણથી જ સેવાકીય સ્‍વભાવ ધરાવતી દુર્વા ઘણા ગરીબ વિદ્યાર્થીઓ માટે કપડા તથા ફીની વ્‍યવસ્‍થા કરે છે.

આજના સમયમાં અભ્યાસનું ખુબ મહત્વ છે. ભણતર એટલા માટે જરૂરી નથી કે તે વ્યક્તિ હોશિયારી વ્યક્ત કરે, ણ શિક્ષણ જીવનની પ્રગતિનો માર્ગદર્શક છે. આ માટે જ સરકારે પણ રાઈટ ટુ એજ્યુકેશન જેવા કાયદા દ્વારા ફરજીયાત શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. મહાભારતકાળથી સારા શિક્ષણ માટે ગુરુદક્ષિણાની પ્રથા છે, જે આજના સમયમાં સ્કૂલ ફી તરીકે શાળાઓ દ્વારા લેવામાં આવે છે. આર્થિક સમસ્યાઓના કારણે કેટલાક પરિવાર શાળામાં બાળકોની ફી જમા કરાવવા બાબતે ચિંતા અનુભવતા હોય છે. 8 વર્ષની એક બાળકીએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે ભગરીરથ કાર્ય શરૂ કર્યુ છે. જે દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણમાં આવતી આ અડચણને દૂર કરી છે.

ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ધોરણ-3 માં અભ્યાસ કરતી દુર્વા મોદી આજે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી, જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું. આ બોક્સમાં બાળકીએ શાળાની એ વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું હતું. જેઓ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે શાળામાં ફી જમા કરાવી શકી ન હતી. લગભગ એક પખવાડિયામાં પોતાના અભ્યાસકાર્ય બાદના સમયમાં દુર્વાએ અલગ-અલગ ક્ષેત્ર, વ્યવસાય અને વર્ગના લોકો પાસે 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી ડોનેશન મેળવી જરૂરિયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી જેટલી રકમ એકત્ર કરી હતી.

દુર્વા બાળપણથી સેવાકીય સ્વભાવ ધરાવે છે. તકલીફમાં કે જરૂરિયાતમંદ વ્યક્તિ નજરે પડે ત્યારે તે પોતે અથવા પરિવાર દ્વારા તે વ્યક્તિને મદદરૂપ થવાનો અચૂક પ્રયાસ કરે છે. દર વર્ષે તે એક કાર્ય એવું જરૂર કરે છે જે ઉદાહરણરૂપ બને છે. 5 વર્ષની ઉંમરથી આ બાળકીમાં સેવાકીય ભાવના સતત છલકતી રહે છે. નજર સામે નિર્વસ્ત્ર બાળક ધ્યાન ઉપર આવે તો તુરંત તેને કપડાં પહેરવાનો તેણે આ ઉંમરે સંકલ્પ કર્યો છે. દૂર્વાની કોરોનાકાળ દરમ્યાન સેવાકીય કામગીરી ખુબ બિરદાવાઇ હતી. દુર્વાએ સોશિયલ મીડિયા સર્ફિંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ વસાવાની પોસ્ટમાં નિર્વસ્ત્ર બાળકો જોયા હતા. આ પોસ્ટ બાદ તે ખુબ વ્યથિત થઇ હતી. તે સમયે લોકો ભોજન માટે નિર્ભર હતા, ત્યારે ગરીબ પરિવારના બાળકો ટૂંકા પડી ગયેલા અથવા ફાટી ગયેલા કપડાંના બદલે નવા કપડાં મેળવવાની સ્થિતિમાં ન હતા. દુર્વાએ પોતાના મિત્રો તેમજ પરિચિત બાળકોનો સંપર્ક કરી માત્ર પોસ્ટમાંજ નજરે પડેલા બે-ત્રણ નહિ પરંતુ 100 જેટલા ગરીબ બાળકોને કોરોનાના કપરા સમયમાં સારા કપડાં અને મનપસંદ ભોજનની ભેટ આપી હતી.

MTM ગર્લ્સ સ્કૂલમાં 550 જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. ગુણવત્તાસભર શિક્ષણ પીરસતી આ સંસ્થા તેના વિદ્યાર્થીનીઓ પાસેથી દરરોજના 1 રૂપિયા આસપાસ નજીવી ફી લે છે. ઘણા ગરીબ પરિવાર આર્થિક તકલીફ અનુભવતા હોય છે. તાજેતરમાં ઘરમાં ચાલતી એક ચર્ચામાં ઘણા પરિવાર બાળકોની સ્કૂલ ફી જમા કરવામાં આર્થિક સમસ્યાઓની અડચણ આવતી હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ફીની રકમ થોડી મોટી હોવાની માત્ર પિતાની મદદથી આ સેવાકાર્ય થઇ શકે તેમ ન હતું. દુર્વાએ એક રસ્તો કાઢ્યો અને બનાવી દીધું ડોનેશન બોક્સ. દરરોજ અડધાથી એક કલાક વચ્ચેનો સમય આપી દુર્વા આસપાસની દુકાન, પાડોશીઓ અને પરિચિતો પાસે પહોંચી જાય છે અને જરૂરિયાત સમજાવી જે ડોનેશન મળે તે ચહેરાના ઉપર સ્મિત સાથે સ્વીકારી લેતી હોય છે. આજે તેનું ડોનેશન બોક્સ ફૂલ દેખાઈ રહ્યું છે જે સ્વતંત્ર પર્વના અવસરે શાળા પરિવારને સોંપી બાળકીઓને ફીની ચિંતામાંથી સ્વતંત્ર બનાવી હતી.

(6:19 pm IST)