Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સાવલીના મોક્ષ ગામમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ : એક હજાર કરોડનું 200 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવાયું

ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન

ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સાવલીના મોક્ષ ગામમાંથી એક હજાર કરોડની કિંમતનું 200 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. ગુજરાત એટીએસની ટીમ થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરશે

સાવલીના મોક્ષી ગામમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ છે. નેક્ટર કેમ્પ ફેક્ટરીમાં ગુજરાત એટીએસે કરોડો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. ફેક્ટરીમાંથી 1 હજાર કરોડની કિંમતનું 200 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયુ હોવાની શક્યતા છે. આટલો મોટો જથ્થો ફેક્ટરીમાં જોઇને પોલીસ પણ ચોકી ઉઠી હતી અને ગુજરાત એટીએસની ટીમે તપાસ માટે ફોરેન્સિંક ટીમને બોલાવી હતી.

મોક્ષી ગામમાં આવેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હોવાની માહિતી છે અને કંપનીની પાછળના ભાગે MD ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું. આ માહિતી મળતા જ ગુજરાત ATS અને વડોદરા SOGના 25થી વધુની ટીમે દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોટાપાયે MD ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

પોરબંદર દરિયામાંથી આ પહેલા NCB અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયેથી 2 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતુ. આ પહેલા કંડલા પોર્ટ પરથી એપ્રિલમાં 250 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયુ હતુ. ફેબ્રુઆરીમાં પણ અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતુ. ગત વર્ષે નવેમ્બરમાં મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ. ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. જ્યારે સપ્ટેમ્બર 2021માં મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેની બજાર કિંમત આશરે 21 હજાર કરોડ જેટલી થવા જતી હતી.

(6:46 pm IST)