Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ઘોઘંબા પંથકમાં દીપડાનો આતંક : માતાની બાજુમાં ઊંઘતા બાળકને દીપડો ઉઠાવી ગયો : મૃતદેહ મળ્યો

વન વિભાગને જાણ થતાની સાથે જ દિપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી

ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાએ ચાર વર્ષના માસુમને ફાડી ખાધાની સનસનાટી મચાવે તેવી ઘટના સામે આવી છે. ગત રાત્રે ચાર વર્ષનો માસુમ બાળક નીંદર માણી રહ્યો હતો ત્યારે દિપડો તેને ઉઠાવી ગયો હતો. ઘરથી થોડેક દુર માસુમનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ થતાની સાથે જ દિપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘંબા તાલુકાના માલુ ગામના થાણા ફળિયામાં ચાર વર્ષનો મીત રાઠવા તેના માતા સાથે આવ્યો હતો. તાજેતરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે મિત અને તેની માતા મામાને ત્યાં આવ્યા હતા. ગત રાત્રીના સમયે મીત રાઠવા તેના મામાના ઘરમાં નિદર માણી રહ્યો હતો. અને તેની બાજુમાં તેની માતા સુતી હતી. તેવામાં માનવભક્ષી દિપડાએ આવી મિતને લઇ ગયો હતો. પોતાના ચાર વર્ષના માસુમ પુત્રને પોતાની બાજુમાં નહિ જોતા માતા ચિંતાતુર બની હતી.

બનાવ અંગે મિતની માતાએ પરિજનોને જાણ કરતા જ તમામ દિપડો જે તરફ ગયો તે દિશામાં તેને શોધવા આગળ વધ્યા હતા. પરંતુ તેની ભાળ મળી ન હતી. લાંબી શોધખોળના અંતે ઘરથી થોડેક દુર અને જંગલ નજીથી માસુમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગ્રામજનોમાં ફફળાટની લાગણી વ્યાપી છે.

મૃતક બાળકના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી પત્ની અને બાળક રક્ષાબંધન કરવા માટે તેના મામાના ઘરે ગયા હતા. બાળક રાત્રે તેની માતા સાથે સુતુ હતું. તેવામાં રાત્રે દોઢ વાગ્યે દિપડો આવીને તેને લઇ ગયો હતો. તો બીજી તરફ દિપડા દ્વારા માસુમનો શિકાર કરવાની ઘટના સામે આવતા જ વન વિભાગ હરકતમાં આવ્યું હતું. અને દિપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે.

(9:18 pm IST)