Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા : રાહત કમિશનર હર્ષદ પટેલ

રાજ્યમાં કુલ-૧૬૮ જળાશય હાઇ એલર્ટ ઉ૫ર, ૧૦ જળાશય એલર્ટ તથા ૯ જળાશય વોર્નિંગ ઉપર: ગાંધીનગર ખાતેથી વેધર વૉચ ગ્રૃપની બેઠક યોજાઈ

અમદાવાદ : રાહત કમિશનર અને અધિક સચિવ  હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

 

  વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર  હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૧૬.૦૦ સુધી ૦૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૬ મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા  જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૬ મીમી વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૫/૦૯/૨૦૨૦ અંતિત ૧૦૫૧.૨૨ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૨૬.૫૦% છે.
  પટેલે કહ્યુ કે, IMDના અધિકારીશ્રી દ્વારા આ બેઠકમાં જણાવાયુ છે કે, રાજ્યમાં હાલમાં આગામી ૩ દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા નહિવત્ છે. ત્યારબાદના બે દિવસમાં રાજ્યના અમૂક સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ થવાની અને એક-બે સ્થળોએ  ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે. આમ આગામી પાંચ દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે તેમ છે.
 બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.૧૪/૦૯/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૫.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૮૫.૨૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૧.૧૦ ટકા વાવેતર થયુ છે.
સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૩,૨૬,૧૨૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૭.૬૨ ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ જળસંગ્રહ ૯૦.૫૧ ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૧૬૮ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૦ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-૦૯ જળાશય છે.

(9:14 pm IST)