Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાજકોટથી અમદાવાદ લવાયેલ સિંહણ શ્રેયાનું કાર્ડીઆક ફેલ્યોરના કારણે મુત્યુ

છેલ્લાં ત્રણ માસથી તેને નર્વાઇન ડીસઓર્ડરની સારવાર ચાલતી હતી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તક કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેતી સિંહણ શ્રેયાનું ગઇકાલે સાંજે 5 વાગ્યે મુત્યુ થયું છે. સિંહણને 5- 11- 2017ના વર્ષમાં રાજકોટથી અમદાવાદ લાવવામાં આવી હતી. આ સિંહણનું મુત્યુ કાર્ડીઆક ફેલ્યોરના કારણે થયું હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે. તેની નિયમો મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

રાજકોટના પદ્યુમન પાર્કથી સિંહણ શ્રેયાને 6 વર્ષ અને 6 મહિનાની હતી ત્યારે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. છેલ્લાં ત્રણ માસથી તેને નર્વાઇન ડીસઓર્ડરની સારવાર ચાલતી હતી. આ બિમારીના કારણે તેણી પોતાની પૂંછડી પોતે ચાવીને ઇજા પહોંચાડી હતી.

તેની સારવાર ચાલતી જ હતી. ગઇકાલે સોમવારે અચાનક તે ચાલતી હતી તે વખતે જ લથડિયા ખાઇને જમીન પર ઢળી પડી હતી. સિંહણ શ્રેયાના મુત  શરીરને મુત્યુનુ કારણ તથા રોગની જાણકારી મેળવવા માટે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આણંદની વેટરનરી કોલેજના પેથોલોજી વિભાગના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સિંહણનું મુત્યુ કાર્ડીઆક ફેલ્યોરના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી સિંહણનું ગઇકાલે 14મી સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યે મુત્ય થયું હોવાથી સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ વનખાતાના અધિકારી તથા પંચોની હાજરીમાં જ આ મુત સિંહણ શ્રેયાના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિ સંસ્કાર કરી તેની રાખને ઊંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હોવાનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સૂત્રોએ જણાવ્યું છે.

હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક જોડી એશિયાટીક સિંહ, એક વાઘ, એક સફેદ વાઘણ, સાત દિપડાઓ, એક જોડી હીપ્પોપોટેમેસ, એક હાથણી , એક ઝરખ માદા, એક જોડ રીંછ તથા 17 શિયાળ છે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આજે 19 વર્ષીય વાઘણ અનન્યાનું મોત નીપજ્યું હતું. સામાન્ય રીતે વાઘ-સિંહનું સરેરાશ આયુષ્ય 15 વર્ષનું હોય છે પણ ૬ વર્ષની ઉંમરે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલી અનન્યા નામની વાઘણનું 19 વર્ષની ઉંમરે અવસાન થયું છે તેણે થોડા સમયથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું અને ઉંમરના કારણે તેનું અવસાન થયું હતું જેથી નિયમ મુજબ તેનો અંતિમસંસ્કાર કરી દેવાયો છે

(11:45 pm IST)