Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

હાઇકોર્ટમાં આજથી થનાર પ્રત્યક્ષ સુનાવણી મોકૂફ

વિડીયો કોન્ફરન્સથી જ સુનાવણી થશે : વધુ આદેશો ન આવે ત્યાં સુધી પ્રત્યક્ષ સુનાવણી નહિ થાય : હાઇકોર્ટની સ્ટેન્ડીંગ કમીટીનો નિર્ણય

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાત હાઇકોર્ટમાં ૧૬મી સપ્ટેમ્બરથી પ્રત્યક્ષ સુનાવણીનું પુનઃ શરૂ કરવાનો હાલ પૂરતો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. હાઇકોર્ટની સ્ટેન્ડીંગ કમીટીએ લીધેલા નિર્ણય અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે કે વધુ આદેશો ન આવે ત્યાં સુધી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી યોજવાનો નિર્ણય મોકૂફ રખાયો છે.

કોરોનાની મહામારીના કારણે માર્ચ મહિનાના મધ્ય ભાગથી હાઇકોર્ટમાં વીડીયો કોન્ફરન્સિંગથી સુનાવણીની શરૂઆત કરવામાં આવી હતી. જોકે અનલોક લાગુ થતાં હાઇકોર્ટે ૧૬મીથી પ્રત્યક્ષ સુનાવણી યોજવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અમુક ક્રિમીનલ અપીલો તેમજ સૌથી જુના સીવિલ કેસોની સુનાવણી પ્રત્યક્ષ કરવાનું નક્કી કરાયું હતું જે અંગે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર પણ જારી કરવામાં આવી હતી. જોકે ૧૪મી સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક મળી હતી.

જેમાં હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રત્યક્ષ સુનાવણીને મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત પ્રત્યક્ષ સુનાવણી માટે જે કેસો લીસ્ટ નિયત કરવામાં આવ્યા હતાં તેની સુનાવણી વીડીયો કોન્ફરન્સથી યોજવામાં આવશે.

(11:25 am IST)