Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભારે વરસાદને કારણે પાક ધોવાઇ ગયો

ડુંગળી લોકોને ''રડાવી'' રહી છે : એક ધારો ભાવ વધારો : આવતા મહીને ભાવ વધારો થશે રૂ. ૧૦૦?

અમદાવાદઃ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો એક તરફ મહામારી અને બીજી તરફ મોંદ્યવારી એમ બેવડો માર સહન કરી રહ્યા છે. એક સમયે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષના ઓકટોબર મહિનાના અંત સુધીમાં ૧ કિલો ડુંગળીનો ભાવ ૧૦૦ રૂપિયાએ પહોંચી જશે તેવી શકયતા છે. હોલસેલ માર્કેટમાં ભાવ પહેલાથી જ ૧૫થી ૨૦ ટકા જયારે રિટેલ માર્કેટમાં ૨૦ ટકા વધી ગયો છે.

મંગળવારે, મહુવા હોલસેલ માર્કેટમાં ડુંગળીનો એક કિલોનો ભાવ ૨૫ રૂપિયા હતો, જયારે APMCમાં ૧૫થી ૩૦ રૂપિયા વચ્ચે હતો. જો કે, રિટેલ માર્કેટમાં એક કિલો ડ઼ુંગળીનો ભાવ ૫૦ રૂપિયા હતો.

ભાવનગર APMCના એક પદાધિકારી ભીખાભાઈ ઝઘડિયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક ભોગ બન્યો છે. 'માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ડુંગળી પકવતા અન્ય રાજયોમાં પણ પાકને નુકસાન થયું છે', તેમ તેમણે કહ્યું હતું.

કોવિડ-૧૯ મહામારી બાદ જાહેર કરાયેલા લોકડાઉનના કારણે અનેક કટોકટી સર્જાઈ હતી. ગયા વર્ષે પણ એક કિલો ડુંગળીનો ભાવ ૧૦૦ રૂપિયાએ પહોંચી ગયો હતો. આ વર્ષે પણ આગામી ૫૦ દિવસમાં એક કિલો ડુંગળીનો ભાવ ૧૦૦ રૂપિયા થઈ જશે', તેમ અમદાવાદના ડુંગળીના વેપારીએ જણાવ્યું ગયું. જો કે, તેમણે તેમ પણ કહ્યું કે, નિકાસ પરનો પ્રતિબંધ ભાવમાં વધારો અટકાવી શકે છે.

મહુવા APMCના ચેરમેન દ્યનશ્યામ પટેલે કહ્યું કે, નિકાસ પર પ્રતિબંધનું પગલું થોડું વહેલું લેવાયું છે. 'નિકાસ પર પ્રતિબંધથી ફરી એકવાર માર્કેટ ક્રેશ થશે, જે ભાવને ૨૦ રૂપિયા પ્રતિ કિલોથી નીચે લાવશે. તેનાથી ખેડૂતોને નુકસાન થશે'. પટેલે કહ્યું કે, તેઓ નિર્ણય પર ફરીથી વિચારણા કરવા માટે ખેડૂતો વતી યુનિયન અને રાજય સરકારોને પત્ર લખશે. મહુવા APMCના વધુ એક અધિકારીએ કહ્યું કે, માત્ર ખેડૂતોને જ નુકસાન ભોગવવું પડશે તેવું નથી.  'જે  વેપારીઓએ ડુંગળીનો જથ્થો કરીને રાખ્યો છે તેમને પણ ધંધામાં ભારે નુકસાન ભોગવવું પડશે', તેમ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નાના ખેડૂતોએ પહેલાથી જ તેમનો પાક વેચી દીધો છે.

(11:26 am IST)