Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોના મહામારીમાં અમદાવાદની એક હોસ્પિટલ બનાવે છે હવામાંથી ઓકસીજન

ઓકસીજન સીલીન્ડરની અછતથી બચવા કર્યો ઉપાય : આ પ્લાન્ટ ર૪ કલાકમાં ૯૦ સીલીન્ડર ઓકસીજન ઉત્પન્ન કરે છે

અમદાવાદ, તા. ૧૬ : કોવિડ-૧૯ મહામારીમાં મેડીકલ ઓકસીજનની અછતથી બચવા માટે અહીંની એક હોસ્પિટલ પોતાના દર્દીઓ માટે જરૂરી ઓકસીજનનું ઉત્પાદન જાતે જ કરે છે. અહીંની એપિક હોસ્પિટલે ઓકસીજન કોન્સન્ટ્રેટર પ્લાન્ટ સ્થાપ્યો છે. હવામાંથી ઓકસીજનનું ઉત્પાદન કરીને હોસ્પિટલના આઇસીયુમાં ઉપયોગ માટે કામ આવે છે. આ પ્લાન્ટ ર૪ કલાકમાં ૯૦ સીલીન્ડર ઓકસીજન ઉત્પન્ન કરે છે.

એપિક અમદાવાદની એક માત્ર હોસ્પિટલ છે જેની પાસે આવો ઓકસીજન સેપરેટર પ્લાન્ટ છે. અગ્રણી કાર્ડીયો-થોરીઆક સર્જન અને આ હોસ્પિટલના સ્થાપક તથા ભાગીદાર ડો. અનિલ જૈને કહ્યું કે, આ યુનિટ આ મહામારી દરમ્યાન અમારી હોસ્પિટલ માટે આશીર્વાદરૂપ બન્યું છે કેમ કે અન્ય હોસ્પિટલો આ મહામારીમાં ઓકસીજન સીલીન્ડરની અછત ભોગવી રહી છે.

તેમણે કહ્યું કે એક વર્ષ પહેલા અમે આ હોસ્પિટલ ચાલુ કરી ત્યારે જ અમે ઓકસીજન સીલીન્ડરો પર આધારીત રહેવા નહોતા માંગતા કેમ કે તેમાં હેન્ડલીંગ માટે ઘણા મેન પાવરની જરૂર પડે છે. લીકવીડ ઓકસીજન ટેન્ક માટે ઘણી જગ્યાની જરૂર પડતી હોવાથી તે પણ શકય નહોતું અને તેમાં ફાયર સેફટી અને લાયસન્સ વગેરેની તકલીફો પણ હતી. એટલે અમે સીલીન્ડર અને ઓકસીજન ટેન્કની સમસ્યાથી બચવા માટે આ પ્લાન્ટનું આયોજન કર્યું જેથી ઓકસીજન સપ્લાય કોઇપણ અડચણ વગર નિયમીત મળી શકે તેમણે કહ્યું કે મહામારી ન હોય ત્યારે પણ સમયસર ઓકસીજન સીલીન્ડર મળવામાં મુશ્કેલી હોવાનો તેમને અનુભવ છે.

(2:45 pm IST)