Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ધારાસભાની ટીકીટમાં પણ નો-રીપીટ ? ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ

કેન્દ્રમાં નો-રીપીટ થિયરી કેમ નહિ ? અસંતુષ્ટોમાં ઉઠતો સવાલ : ગુજરાત માટેનો નવો પ્રયોગ જોખમી

રાજકોટ,તા. ૧૬ : ગુજરાતના નવા મંત્રી મંડળની રચનામંા તમામ નવા ચહેરાઓને જ સ્થાન આપવાનો નિર્ણય થયાનું બહાર આવતા આંતરિક ઘૂંઘવાટ વધ્યો છે. ગઇ કાલે નક્કી કરેલી શપથવિધિ મોકૂફ રાખવી પડી. ભાજપ શાસિત રાજ્યમાં આવું બન્યાનો પ્રથમ દાખલો છે. મંત્રી મંડળની રચનાની જેમ આવતી ધારાસભાની ચૂંટણીમાં પણ નો-રીપીટ થિયરી આવશે તો ? તેવા સવાલ સાથે ઘણા ધારાસભ્યોમાં ફફડાટ મચી ગયો છે. જો કે ભાજપના સત્તાવાર વર્તુળો ટીકીટની બાબતમાં સંપૂર્ણ નો-રીપીટ થિયરીને સમર્થન આપતા નથી. મહદઅંશે નો-રીપીટ આવી શકે છે.

ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે અમુક મંત્રીઓની કામગીરી બરાબર ન હોય અથવા સ્થાનિક સમીકરણમાં બંધબેસતા ન હોય તો તેની બાદબાકી સમજી શકાય પણ માત્ર સિનિયર હોવાથી હાંસિયામાં ધકેલી દેવાનું વ્યાજબી નથી. કેન્દ્રમાં પણ અમૂક મંત્રીઓ  વર્ષોથી છે. સંપૂર્ણ નવા ચહેરાનો પ્રયોગ આકર્ષક પણ રાજકીય રીતે જોખમી ગણાય છે. ધારાસભાની ચૂંટણી વખતે ટીકીટના માપદંડોની ચર્ચા જાગી છે.

શપથવિધિ મોકૂફ રાખવી પડે તે ગુજરાત મોડેલના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. જેની બાદબાકી થાય છે. તેવા મંત્રીઓ અને તેમના ટેકેદારોમાં અસંતોષ ભવિષ્યમાં કેવી અસરો પાડે છે ? તે તો સમય જ બતાવશે. ભાજપની આંતરિક ધમાલથી કોંગ્રેસ-આપ ગેલમાં છે.

(12:07 pm IST)