Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વિજયભાઇ ખરા અર્થમાં સંવેદનશીલ અને નિર્ણાયક : દિલીપ સંઘાણી વર્ણવે છે અનુભવ

દીકરીની રહેવાની વ્યવસ્થામાં અને ખેડૂતોના વ્યાજદરમાં ત્વરિત પ્રતિસાદ

રાજકોટ,તા. ૧૬: રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે ખરા અર્થમાં નિર્ણાયક અને સંવેદનશીલ ગણાવી તેમની સાથેના કેટલાક અનુભવો પૈકી બે અનુભવો અકિલા સમક્ષ વર્ણવ્યા છે.

શ્રી દિલીપ સંઘાણીના જણાવ્યા મુજબ એક વખત પોતાની દીકરીને નવી દિલ્હી ગુજરાત ભવનમાં રહેવા માટે છેક ચોથા માળે લીફટની સુવિધા વગરનો રૂમ ફાળવેલ. વધુ સામાન સાથે હોવાથી તે વ્યવસ્થા પ્રતિકુળ હતી. મેં રાત્રે ૧૧:૪૫ વાગ્યા આસપાસ વિજયભાઇને ફોન કરતા તેમણે ઉંઘમાંથી જાગીને મારી (સંઘાણી) સાથે વાત કરેલ. ત્વરિત દિલ્હી સૂચના અપાવી પાંચ મીનીટમાં અનુકુળ અન્ય નવા રૂમની વ્યવસ્થા કરાવી હતી. આવા કામ માટે મુખ્યમંત્રી કક્ષાએથી પ્રતિસાદ મળ્યો તે મારા માટે યાદગાર ઘટના છે.

શ્રી સંઘાણીએ બીજો પ્રસંગ વર્ણવતા જણાવેલ કે ખેડૂતો માટે ૩ ટકાના બદલે વ્યાજ ઝીરો ટકા કરવા માટે મેં લોકસભાની ચૂંટણી વખતે તેમને ટેલીફોનીક રજુઆત કરેલ. તેમાં તેમણે તુરંત હકારત્મક પ્રતિસાદ આપી આ અંગે નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સાથે વાત કરવા જણાવેલ. મેં નીતિનભાઇને વાત કરતા તેમણે પણ ઉત્સાહવર્ધક જવાબ આપેલ. ફરીથી મેં વિજયભાઇ સાથે વાત કરતા તેમણે ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજે ધીરાણ આપવાનો નિર્ણય કરી થોડા દિવસમાં સત્તાવાર જાહેરાત કરી હતી. આ તેમની ત્વરિત નિર્ણય શકિત છે.

શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતી વખતની શ્રી રૂપાણીન સ્વસ્થતા અને પરિપકવતાને બીરદાવીની અભિનંદન આપ્યા છે.

(1:09 pm IST)