Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કાલે રસીકરણ મહાઅભિયાનઃ વિક્રમ સર્જવાનો લક્ષ્યાંક

ગુજરાતમાં અત્યાર સુધી રસીના પ.૩૩ કરોડ ડોઝ અપાયા પ૯૦૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ

રાજકોટ તા. ૧૬: ગુજરાતમાં રસીકરણ અભિયાન ગતિથી ચાલી રહ્યું છે. આવતી કાલે તા. ૧૭મીએ રસીકરણ માટે મહાઅભિયાન ચલાવાશે. આજે વિડીઓ કોન્ફરન્સ દ્વારા સરકારે આ સુચના આપી છે અત્યાર સુધીમાં રાજયમાં રસીના પ.૩૩ કરોડ ડોઝ અપાઇ ગયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં વધુમાં વધુ ૬ લાખ જેટલા ડોઝ અપાયાનાં દાખલાં છે. કાલે અગાઉના દરેક દિવસ કરતા વધુ રસીકરણ કરી વિક્રમ સર્જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલે રસીકરણ અભિયાન અંગે જિલ્લા તંત્રને સુચના આપી છે.

આવતીકાલ તા. ૧૭મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજયમાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરતા આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ડ્રાઇવ દરમ્યાન ૭,પ૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩પ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. એટલું જ નહિં, રાજયના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરૃં પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

શ્રી અગ્રવાલે કહ્યું કે, તા. ૧૭મી સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ રાજયમાં કોવિડ-૧૯ રસીકરણની જે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે તેને સફળ બનાવવા તમામ જિલ્લા કલેકટરશ્રી અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે.

(3:16 pm IST)