Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કોરોના મહામારીના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના સ્‍થાનકે ભાદરવી પૂનમનો મેળો મોકૂફઃ ભાવિકો ફક્‍ત માતાજીના દર્શન કરી શકશે

પોલીસ અને હોમગાર્ડના 5 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાતઃ 7 મેડિકલ ટીમો ફરજ ઉપર

બનાસકાંઠા: સુપ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજીમાં આ વર્ષે કોરોનાના કારણે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો છે પરંતુ ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે અને ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ કરાઈ છે જેથી ભક્તો સરળતાથી માં અંબાના દર્શન કરી શકે.

વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરના ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે જેમાં લાખો ભક્તો માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જો કે, કોરોનાના કારણે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો બંધ રખાયો છે જેને લઈને રસ્તાઓમાં પદયાત્રીઓ માટેના કેમ્પ ખોલાયા નથી. જો કે, ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે જેમાં પોલીસ અને હોમગાર્ડના 5 હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. મેડિકલની 7 ટિમો તૈનાત કરાઈ છે તો અંબાજી મંદિર પરિસર અને શહેરમાં 157 જેટલા સીસીટીવી કેમરા લગાવી દેવાયા છે તો પ્રસાદ માટેના 3 કાઉન્ટર શરૂ કરાયા છે. જોકે આ વર્ષે કોરોનાના કારણે ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર પ્રાસશન દ્વારા ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે ભક્તો ખુબજ ઓછી સંખ્યામાં હજુ સુધી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા છે.

દર વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે જોકે આ વર્ષે મેળો બંધ રખાયો છે છતાં પણ દુરદુરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે જોકે બનાસકાંઠા પોલીસ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો સુરક્ષિત રહે અને શાંતિથી દર્શન કરી શકે તે માટે ખડેપગે છે. આ વર્ષે કેમ્પો બંધ હોવા છતાં અને મેળો બંધ હોવાના કારણે હાલ ખુબજ ઓછી માત્રામાં ભક્તો માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે. જો કે, પૂનમ સુધી ભક્તોની સંખ્યામાં વધારો થાય તેવી શકયતાઓ છે.

(4:54 pm IST)