Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોડાસામાં ગંદકી ફેલાવવા બદલ પાંચ હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી

મોડાસા: શહેરખાતે ૭૦ થી વધુ મોટી હોસ્પિટલો અને ૧૦૦ થી વધુ નાના દવાખાનાઓ આવેલા છે. પરંતુ નગરના આરોગ્ય નગર તરીકે ઓળખાતા જુના બસ સ્ટેન્ડના પાછળના ભાગે આવેલી વર્ષો જુની અને દબાણ સહિતની કેટલીક હોસ્પિટલો દ્વારા જાહેર માર્ગ ઉપર સરેઆમ ગંદકી ફેલાવાતાં નગરપાલિકા તંત્રએ આવી પાંચ હોસ્પિટલોને કાયદા હેઠળ નોટીસ ફટકારી છે.

શૌચખાડાનું ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર રેલાવતી આ હોસ્પિટલોને તાત્કાલીક અસરથી આવું લોક અપકારક કૃત્ય અટકાવવા તાકીદ કરાઈ છે. નહી કરનાર સામે સીઆરપીસી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

મોડાસાના જુના બસ સ્ટેન્ડ પાછળ આરોગ્ય નગર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલિ કેટલીય હોસ્પિટલોમાં જરૃરી સુવિધા જેમ કે પાર્કિંગ,લીફટ, દર્દી કે સ્નેહીજનોને બેસવા વેઈટીંગ રૃમ જ નથી. પરિણામે હોસ્પિટલોની સ્થિતિ અસુવિધાજનક જણાય છે અને આવી હોસ્પિટલોમાંમોં માગી ફી આપવા છતાં સારવાર માટે આવતા બાળકોથી માંડી અન્ય દર્દીઓ વધુ બીમાર થઈ જાય તેવી સ્થિતિ પણ કોઈકવાર સર્જાય છે.ત્યારે આવી હોસ્પિટલો પૈકીની લોટર્સ હોસ્પિટલ,ઓમ સર્જીકલ હોસ્પિટલ,શક્તિ ચિલ્ડ્રન સર્જીકલ હોસ્પિટલ, ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલ અને જતન ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા તેઓની બીલ્ડીંગના ખાળકૂવા(શૌચખાડો)નું ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર વહેવડાવી અસહ્ય ગંદકી ફેલાવાતી હોવાની ફરીયાદ ઉઠી હતી.

(5:35 pm IST)