Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

આણંદની બોરસદ ચોકડી નજીક ડાયવર્ઝનના બિસમાર માર્ગને લઈને વાહનચાલકો ત્રસ્ત બન્યા

આણંદ:શહેરની બોરસદ ચોકડી ખાતે ચાલી રહેલ રેલ્વે ઓવરબ્રીજના કામકાજને લઈ ઉમાભવન તરફથી જીટોડીયા રોડ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે સ્ટેટ લેવલ હાઈવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો હોઈ વાહનોની સતત અવર-જવર અને વરસાદી મોસમને લઈ ડાયવર્ઝન માર્ગ ઉપર ઠેર-ઠેર મસમોટા ગાબડા પડી જતા વાહનચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંય ખાસ કરીને પીકઅપ અવર્સ દરમ્યાન બિસ્માર માર્ગના કારણે ટ્રાફિકજામથી લાંબી કતારો લાગતા વાહનચાલકોના સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્યો છે.

ઘણાં લાંબા સમયથી આણંદ શહેરની બોરસદ ચોકડી ખાતે રેલ્વે ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે. જેને લઈ વિવિધ વિસ્તાર તરફથી આવતા ટ્રાફિક માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સોજિત્રા તરફથી આવતા વાહનો ઉમા ભવન થઈ જીટોડીયા રોડથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ તરફના માર્ગ ઉપર ડાયવર્ટ કરાયા છે. સ્ટેટ લેવલ હાઈવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવતા આ ડાયવર્ઝન માર્ગ ઉપર દિવસ દરમ્યાન ટ્રાફિકની ભારે અવર-જવર રહે છે. ભારે વાહનોની અવર-જવર અને હાલમાં વરસેલ મુશળધાર વરસાદને લઈ ઉમાભવનથી આગળના માર્ગ ઉપર તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક તથા અર્બન હેલ્થ સેન્ટર નજીક માર્ગ ઉપર ઠેર-ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

(5:38 pm IST)